બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ, એનસીપી નેતા બાબા સિદ્દીકીની સનસનાટીભરી હત્યા, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીને ધમકી અને તાજેતરમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ જેવા હાઈ-પ્રોફાઈલ કેસોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની સિન્ડિકેટનું નામ સતત સપાટી પર આવી રહ્યું છે. ગુજરાત મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય છે અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ મુંબઈથી માત્ર 535 કિલોમીટર દૂર છે, જ્યાં પહોંચવામાં માંડ ૧૦ કલાકનો સમય લાગે છે. આટલા બધા ગંભીર ગુનાઓ મુંબઈમાં બન્યા હોવા છતાં, મહારાષ્ટ્ર પોલીસ કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવા કે રૂબરૂ પૂછપરછ કરવા માટે મુંબઈ લાવી શકી નથી.આ પાછળનું મુખ્ય કારણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો એક કડક આદેશ છે, જેણે તમામ તપાસ એજન્સીઓના હાથ કાનૂની રીતે બાંધી દીધા છે.
લોરેન્સની આસપાસ કાનૂની અભેદ્ય કવચ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઓગસ્ટ 2023 માં ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ની કલમ 268 (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – BNSS હેઠળ સમકક્ષ જોગવાઈ) હેઠળ એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું: આ આદેશ હેઠળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કોઈપણ તપાસ, કેસની કાર્યવાહી કે પૂછપરછ માટે સાબરમતી જેલ પરિસરની બહાર લઈ જવા પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. દેશભરની કોઈપણ અદાલતમાં પેશી હોય કે કોઈ રાજ્યની પોલીસ દ્વારા પૂછપરછ કરવાની હોય, તે તમામ કાર્યવાહી ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (VC) મારફતે જ થઈ શકે છે. લોરેન્સના વકીલો કે પરિવારજનો પણ તેને સામાન્ય કેદીઓની જેમ રૂબરૂ મળી શકતા નથી.
10 બેરેકની આખી જેલમાં લોરેન્સ એકલો
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ લોરેન્સને દિલ્હીની તિહાર જેલમાંથી પંજાબની ભટિંડા જેલમાં ખસેડાયો હતો. જ્યાંથી તેણે જેલની અંદર બેસીને વીડિયો કોલ દ્વારા એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલને વિવાદાસ્પદ ઈન્ટરવ્યુ આપી સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા હતા.ત્યારબાદ ગુજરાત એટીએસ (ATS) દ્વારા એક કેસના સંદર્ભમાં તેને કસ્ટડીમાં લેવાયો અને અમદાવાદની ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો.સાબરમતી જેલના જે ભાગમાં તેને રખાયો છે ત્યાં કુલ 10 બેરેક છે, જેમાંથી 9 બેરેક સુરક્ષાના કારણોસર ખાલી રખાયા છે અને માત્ર એક બેરેકમાં લોરેન્સને અત્યંત ચુસ્ત કમાન્ડો સુરક્ષા હેઠળ એકલો રખાયો છે.
છોટા રાજન જેવી વ્યવસ્થા અને રાજકીય માંગણીઓ
આ પ્રકારની કડક કાનૂની પાબંદી અગાઉ વર્ષ 2015 માં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને તિહાર જેલમાં સુરક્ષિત રાખવા માટે લાગુ કરવામાં આવી હતી, જેથી ગેંગવોર કે ફરાર થવાના જોખમને ટાળી શકાય.લોરેન્સ બિશ્નોઈ સામે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિત 11 જેટલા રાજ્યોમાં કેસો નોંધાયેલા છે, પરંતુ આ તમામ રાજ્યોની પોલીસ પણ તેને જેલની બહાર લાવી શકી નથી. ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત દ્વારા લેવાયા બાદ વિપક્ષી પક્ષોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે લોરેન્સ પર લાગેલી આ કાનૂની સુરક્ષા હટાવી મુંબઈ પોલીસને તેની કસ્ટોડિયલ પૂછપરછ કરવાની છૂટ આપવામાં આવે.
