વર્લ્ડ ક્રિકેટમાં 2018ના સૅન્ડપેપર કાંડની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં આ વિવાદને લઈને કેટલાક નવા ખુલાસા કર્યા બાદ ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સની ભૂમિકાને લઈને પણ સવાલો ઊભા થયા હતા. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે 2018માં ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ રહેલા ડેરેન લેહમેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને બોલ ટેમ્પરિંગના કાવતરા વિશે કોઈ જાણકારી નહોતી.
‘મેં દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરી ગુમાવી’
2018માં ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતી. કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સૅન્ડપેપર કાંડ સામે આવ્યો હતો. આ સમયે ડેરેન લેહમેન ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ હતા.આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યા બાદ લેહમેને ABC રેડિયો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે 2018માં જે કંઈ થયું તેને લઈને આજે પણ તેમનો અભિગમ એ જ છે. તે તેમના જીવનનો ખૂબ જ મુશ્કેલ સમય હતો.લેહમેનના જણાવ્યા અનુસાર, રિવર્સ સ્વિંગ મેળવવા માટે બોલની એક બાજુ ખરબચડી બનાવવાની પદ્ધતિ ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવે છે. જોકે, 2018માં આ મામલો હદથી આગળ વધી ગયો હતો. કોચ તરીકે તેની જવાબદારી સ્વીકારતાં તેમણે કહ્યું કે લોકો માને છે કે તેમણે કંઈ ગુમાવ્યું નથી, પરંતુ હકીકતમાં તેમણે દુનિયાની સૌથી શ્રેષ્ઠ નોકરી ગુમાવી હતી.તેમણે આ ઘટના માટે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે તે મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં તેમને લગભગ 3થી 4 વર્ષ લાગ્યા હતા.
‘અમે ભૂલો કરી અને શક્ય તેટલી માફી માગી’
સૅન્ડપેપર કાંડની ફરી ચર્ચા થવા અંગે ડેરેન લેહમેને કહ્યું કે તેઓ હવે તે ખરાબ સમય તરફ પાછા ફરવા માગતા નથી. તેઓ જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આ સમગ્ર ઘટનામાં કેટલીક એવી વાતો સામે આવી હતી, જેના કારણે ઘણા લોકોને ઊંડી પીડા થઈ હતી. આ પાસાને પણ સમજવાની જરૂર છે.લેહમેનના મતે, ઓસ્ટ્રેલિયન ટીમે ભૂલો કરી હતી અને શક્ય તેટલી માફી પણ માગી હતી. હવે દરેક વ્યક્તિએ ભૂતકાળની ઘટનામાંથી બહાર આવીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.
શું હતો 2018નો સૅન્ડપેપર કાંડ?
2018માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન બેનક્રોફ્ટ બોલની સ્થિતિ સાથે ચેડાં કરતા કેમેરામાં ઝડપાયો હતો. આ ઘટના બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ વિવાદને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠાને મોટો આંચકો લાગ્યો હતો. સ્ટીવ સ્મિથે કેપ્ટનપદ ગુમાવ્યું હતું, જ્યારે ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.હવે ઉસ્માન ખ્વાજાની આત્મકથામાં થયેલા ખુલાસા અને ડેરેન લેહમેનના નવા નિવેદનને કારણે આ જૂનો વિવાદ ફરી એકવાર ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો- WTCમાં ઋષભ પંતની ઐતિહાસિક સિધ્ધી, 3000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો!
