4 સપ્ટેમ્બર દેશભરમાં ન્યાયવ્યવસ્થા, ઈ-સેવાઓ, શિક્ષણ અને વિકાસલક્ષી કાર્યક્રમોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનો છે. નવી દિલ્હીમાં BRICS ચીફ જસ્ટિસ ફોરમનો પ્રારંભ થશે, જ્યારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત 26 મોબાઇલ ઈ-સેવા વાનને લીલી ઝંડી આપી રવાના કરશે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન પંજાબ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
BRICS ચીફ જસ્ટિસ ફોરમનો પ્રારંભ
નવી દિલ્હીમાં 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન BRICS ચીફ જસ્ટિસ ફોરમ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત BRICS સભ્ય અને ભાગીદાર દેશોના ન્યાયિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ફોરમ ન્યાય વિતરણ વ્યવસ્થા અને ન્યાયિક સહયોગ જેવા મુદ્દાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
26 મોબાઇલ ઈ-સેવા વાનને લીલી ઝંડી
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત 26 મોબાઇલ ઈ-સેવા વાનને લીલી ઝંડી આપી રવાના કરશે. આ વાન દ્વારા દૂરના અને ઓછી સુવિધા ધરાવતા વિસ્તારોમાં ઈ-કોર્ટ સેવાઓ, કાનૂની સહાય અને વિવાદ નિરાકરણ જેવી સુવિધાઓ પહોંચાડવાનો હેતુ છે. આ 26 વાન દેશભરમાં તૈનાત થનારા કુલ 73 વાહનોના કાફલાની પ્રથમ તબક્કાની સેવા હોવાનું જણાવાયું છે.
ઉપરાષ્ટ્રપતિનો પંજાબ યુનિવર્સિટી પ્રવાસ
ઉપરાષ્ટ્રપતિ અને પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર CP રાધાકૃષ્ણન 4 સપ્ટેમ્બરે પંજાબ યુનિવર્સિટીની મુલાકાત લેશે. તેઓ રિસર્ચ અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી આધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને સંબોધન કરશે.
મનસુખ માંડવિયાનો ગુજરાત પ્રવાસ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસ દરમિયાન પાલિતાણા, જામનગર, મોટી રાજસ્થળી, વડિયા અને હાલોલ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વિકાસ કાર્યો, પંચાયત કચેરીઓના કાર્યક્રમો અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સાથે જોડાયેલા આયોજનોમાં તેમની હાજરી રહેશે. આમ, 4 સપ્ટેમ્બરનો દિવસ દેશભરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને લઈને ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો : Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ… ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ
