યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર હાલમાં ભારતની મુલાકાતે છે. આ પ્રવાસના ભાગ રૂપે તેમણે બુધવારે શ્રીનગરની મુલાકાત લીધી હતી. કાશ્મીર પહોંચ્યા પછી સર્જિયો ગોરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું,
જમ્મુ કાશ્મીર ભારતને મહત્વપૂર્ણ ભાગ- સર્જિયો ગોર
ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સર્જિયો ગોર, કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની બે દિવસની મુલાકાતે છે. સર્જિયો ગોર શ્રીનગરમાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. યુએસ એમ્બેસેડરના આ નિવેદનને ભારતના લાંબા સમયથી ચાલતા વલણને મજબૂત સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કલમ 370 રદ કર્યા પછી અને તાજેતરની સુરક્ષા સંબંધિત ઘટનાઓ પછી, યુએસ એમ્બેસેડર દ્વારા કાશ્મીરની આ પહેલી મુલાકાત છે.
શ્રીનગર પહોંચ્યા પછી યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, બંને નેતાઓએ અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતો શેર કરતા સર્જિયો ગોરે જણાવ્યું હતું કે આ બેઠક મુખ્યત્વે કાશ્મીરના વિકાસ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું હતું કે તેઓએ બંને રાષ્ટ્રો વચ્ચે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી તકોની પણ ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે અહીં આવીને ખૂબ આનંદ થાય છે. આ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મારી અહીં પહેલી મુલાકાત છે. આ સ્થળ સુંદર છે. હું અહીં આવીને આ સ્થળ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”
વિદેશી રાજદૂત મળ્યા કાશ્મીરના મુખ્યમંત્રીને
યુએસ એમ્બેસેડરની આ મુલાકાત રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંદર વર્ષથી વધુ સમયમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ વર્તમાન યુએસ એમ્બેસેડરે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત કરી હોય. અગાઉ 2011માં તત્કાલીન યુએસ એમ્બેસેડર ટીમોથી રોમરે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને યુએસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત ગાઢ બની રહી છે. બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે, ખાસ કરીને આતંકવાદ સામેની લડાઈ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધોને નવી દિશા આપશે તેવી અપેક્ષા છે.
