હાલમાં રમાઈ રહેલી શેર-એ-પંજાબ T20 લીગ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઓલરાઉન્ડર નમન ધીરે શાનદાર બેટિંગ કરીને ધમાલ મચાવી દીધી છે. મોહાલી કિંગ્સ સામેની મેચમાં અમૃતસર સૂરમાજ તરફથી રમતા નમન ધીરે માત્ર 64 બોલમાં 12 છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી 173 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી.
અભિષેક શર્માની જગ્યાએ ધીર ઓપનિંગ કરવા આવ્યો
ટોસ જીતીને મોહાલી કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્માની જગ્યાએ ધીર ઓપનિંગ કરવા આવ્યો હતો. પ્રથમ ઓવરમાં સતત ત્રણ ડોટ બોલ રમ્યા બાદ તેણે તોફાની બેટિંગ શરૂ કરી હતી, અને પછીની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા. આ જ ઓવરમાં આયુષ ગોયલે સહજ ધવનને પેવેલિયન ભેગો કર્યો અને રાહુલ કુમાર પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ધીરે પાવરપ્લે પૂરો થાય તે પહેલા માત્ર 19 બોલ રમીને 53 રન બનાવી લીધા હતા.
માત્ર 54 બોલમાં 150 રન પૂરા કર્યા
12મી ઓવરમાં ધીરે લવદીપ ચઢ્ઢા સામે આક્રમક બેટિંગ કરી હતી. અહીં ખાસ વાત એ હતી કે ચઢ્ઢાએ જ મેચની શરૂઆતમાં નમન ધીરને સતત ત્રણ ડોટ બોલ નાખ્યા હતા. પરંતુ 12મી ઓવરમાં નમન ધીરે તેનો હિસાબ બરાબર કરી દીધો હતો. તેણે ચઢ્ઢાની બોલિંગમાં બે ચોગ્ગા અને સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન ચઠ્ઠાએ એક નો-બોલ પણ કર્યો હતો, અને પૂરી ઓવરમાં કુલ 30 રન ખર્ચી નાખ્યા હતા. 16મી ઓવરમાં નમન ધીરે બરાર સામે બે છગ્ગા ફટકાર્યા અને 54 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા.
173 રનની તોફાની ઈનિંગ્સ
નમન ધીરની 173 રનની તોફાની ઈનિંગ્સનો અંત છેલ્લી ઓવરની ચોથી બોલ પર આવ્યો હતો. ધીરની 173 રનની વિસ્ફોટક ઈનિંગ્સના કારણે અમૃતસર સૂરમાજે 20 ઓવરમાં 7 વિકેટે 279 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
