Shoaib Akhtarને લાગ્યું કે મેં બ્રાયન લારાને મારી નાખ્યા! 7 વર્ષ સુધી માફી માગવાની હિંમત ન થઈ

📅 Published: November 19, 2026 | 📂 Category: cricket

ક્રિકેટના મેદાન પર ઝડપી બોલરો અને બેટ્સમેનો વચ્ચેની ટક્કર ઘણીવાર યાદગાર બની જાય છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે ખેલાડીને અંદરથી હચમચાવી દે છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા સાથે બનેલી આવી જ એક ઘટના યાદ કરી છે. લારાને પોતાનો બાઉન્સર વાગતાં અખ્તરને લાગ્યું હતું કે તેમણે પોતાના મનપસંદ બેટ્સમેનને ગંભીર ઈજા પહોંચાડી દીધી છે.

એક બાઉન્સરે અખ્તરને હચમચાવી દીધો

આ ઘટના વર્ષ 2004ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલની છે. પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં મુકાબલો રમાઈ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ દરમિયાન શોએબ અખ્તર બોલિંગ કરી રહ્યો હતો. તેની એક ઝડપી બાઉન્સર સીધી બ્રાયન લારાના માથા અને ગરદનના પાછળના ભાગ પાસે વાગી હતી. બોલ વાગતાં જ લારા મેદાન પર પડી ગયો હતો. તે સમયે લારા 31 રન બનાવીને રમી રહ્યો હતો. ઈજા બાદ તેને ચક્કર આવવા લાગ્યાં હતાં અને તે થોડો સમય મેદાન પર જ રહ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે બહાર લઈ જવામાં આવ્યો હતો. અખ્તર અને પાકિસ્તાનના અન્ય ખેલાડીઓ તરત જ લારાની મદદ માટે તેની પાસે દોડી ગયા હતા. અખ્તરે અગાઉ આ ઘટના યાદ કરતાં કહ્યું હતું કે લારાને આવી રીતે પડતો જોઈને તેને લાગ્યું હતું કે કદાચ તેણે તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી દીધી છે.

લારા અખ્તરનો મનપસંદ બેટ્સમેન હતો

શોએબ અખ્તર માટે આ ઘટના માત્ર મેદાન પરની એક ટક્કર નહોતી. બ્રાયન લારા તેના મનપસંદ બેટ્સમેનોમાંના એક હતા. અખ્તરે પોતાની આત્મકથા ‘કન્ટ્રોવર્શિયલી યોર્સ’માં પણ લારા પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો છે. અખ્તરે લખ્યું હતું કે તે લાંબા સમયથી લારાને બોલિંગ કરવા માગતો હતો. જ્યારે 2004માં તેને આ તક મળી ત્યારે તે ખૂબ ઉત્સાહિત હતો. લારા બેટિંગ કરવા આવ્યો ત્યારે અખ્તરે તેની પાસે જઈને કહ્યું હતું કે તેના જેવા મહાન ખેલાડીને બોલિંગ કરવાની તક મળવી તેના માટે સન્માનની વાત છે. લારાએ મજાકમાં અખ્તરને ધીમા બોલિંગ કરવાની વિનંતી કરી હતી. પરંતુ થોડા સમય બાદ અખ્તરનો બાઉન્સર તેને વાગ્યો અને આખો પ્રસંગ જ બદલાઈ ગયો. 

લારાને જોઈને અખ્તરને થયો હતો પસ્તાવો

અખ્તરે એક મુલાકાતમાં કહ્યું હતું કે લારાને બાઉન્સર વાગ્યા બાદ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેણે પોતાના મનપસંદ બેટ્સમેનને આ રીતે પાડી દીધો હતો. અખ્તરે જણાવ્યું હતું કે લારાને ફરી મળીને તેની સાથે હાથ મિલાવવાની તક મળવામાં લાંબો સમય લાગ્યો હતો. એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે લારાને ફરી મળવા અને હાથ મિલાવવા માટે તેણે સાત વર્ષ રાહ જોઈ હતી. આ ઘટનાની યાદ તેના મનમાં લાંબા સમય સુધી રહી હતી. 

પાકિસ્તાન હાર્યું, વેસ્ટ ઇન્ડિઝ ફાઇનલમાં પહોંચ્યું

આ મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલાં બેટિંગ કરતાં માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમે સાત વિકેટે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. લારાને ઈજા થતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ તેની ઈજા ગંભીર નહોતી. ICCના તબીબી અહેવાલ મુજબ તેને થોડા સમય માટે ચક્કર અને માથાનો દુખાવો થયો હતો. બાદમાં તે ફાઇનલમાં રમવા માટે પણ ઉપલબ્ધ હતો.

આ મેચમાં અખ્તરે બે વિકેટ ઝડપી હતી, જ્યારે રામનરેશ સરવાને અણનમ 56 રન બનાવી વેસ્ટ ઇન્ડિઝને જીત અપાવી હતી. જોકે, આ મેચની સૌથી યાદગાર ઘટના અખ્તરના બાઉન્સરથી લારાને થયેલી ઈજા બની ગઈ હતી.

આ પણ વાંચો: IPL 2027: મુંબઈચા રાજા ફરી ગાદી પર બેસશે? MIની પોસ્ટે વધાર્યું સસ્પેન્સ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *