Shubman Gill : '6-7 કેચ છોડશો તો કેવી રીતે જીતીશું?'શરમજનક હાર બાદ ગિલનો પારો સાતમા આસમાને!

📅 Published: October 4, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 352 રનનો મોટો લક્ષ્યાંક 10 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ગ્રોઈન ઈજાની પરવા કર્યા વગર અણનમ 162 રનની શાનદાર ઈનિંગ રમી અને ભારત પાસેથી મેચ છીનવી લીધી.

શુભમન ગિલનું નિવેદન 

મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમના પ્રદર્શન અંગે ખુલીને વાત કરી. ગિલે ખાસ કરીને ભારતીય ટીમની ફિલ્ડિંગ અને ડેથ ઓવર્સની બોલિંગને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે સ્વીકાર્યું કે ટીમની ફિલ્ડિંગ અપેક્ષા મુજબની રહી નહોતી અને મેચ દરમિયાન ભારતે લગભગ 6-7 કેચ ગુમાવ્યા હતા.ગિલે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા આ બાબત ચિંતાજનક છે. તેમના મતે કોઈપણ ટીમ જો આટલી મોટી સંખ્યામાં કેચ છોડે તો તેની અસર મેચના પરિણામ પર થવી સ્વાભાવિક છે.ભારતીય કેપ્ટને એ પણ માન્યું કે ટીમે કેટલીક બાબતોમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ ફિલ્ડિંગમાં ચોક્કસપણે સુધારાની જરૂર છે.

ડેથ ઓવર્સની બોલિંગે વધારી ચિંતા

શુભમન ગિલની સૌથી મોટી ચિંતા ડેથ ઓવર્સની બોલિંગને લઈને જોવા મળી. ગિલે સ્પષ્ટ કર્યું કે છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને ક્યારે આક્રમક ફિલ્ડ ગોઠવવી અને ક્યારે રન રોકવા માટે રક્ષણાત્મક ફિલ્ડ રાખવી તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.તેમણે કહ્યું કે ડેથ ઓવર્સમાં બોલિંગ કરતી વખતે ટીમની રણનીતિ વધુ સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે વિરોધી ટીમના 5 કે 6 વિકેટ પડી ગયા હોય ત્યારે પણ બોલિંગ અને ફિલ્ડિંગની યોજના અંગે મૂંઝવણ જોવા મળી શકે છે.ગિલના મતે ઘણી વખત ટીમ ડેથ ઓવર્સની રણનીતિ વહેલી શરૂ કરી દે છે, જ્યારે તે સમયે મિડલ ઓવર્સ જેવી બોલિંગ કરીને વિકેટ મેળવવા પર વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે. વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા પહેલાં આ ખામીઓ દૂર કરવી ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.

શાઈ હોપે ભારતની આશા પર ફેરવ્યું પાણી

ભારતની હારના સૌથી મોટા કારણોમાં શાઈ હોપની અદ્ભુત ઈનિંગ રહી. ગ્રોઈન ઈજા હોવા છતાં હોપે અણનમ 162 રન બનાવ્યા અને પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી. આ તેમની વનડે કારકિર્દીની 21મી સદી હતી.આ સાથે વેસ્ટ ઈન્ડિઝે વનડે ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો. હોપની આ શ્રેણીમાં સતત બીજી સદી હતી. ગુવાહાટી વનડેમાં પણ તેમણે સદી ફટકારી હતી અને અંતિમ મેચમાં તેનાથી પણ મોટી ઈનિંગ રમીને ભારતીય ટીમની મુશ્કેલી વધારી દીધી.

શાઈ હોપે એમએસ ધોનીનો કર્યો ઉલ્લેખ

મેચ બાદ શાઈ હોપે પોતાની શાનદાર બેટિંગ પાછળની વિચારસરણી વિશે વાત કરી.તેમણે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો.હોપના જણાવ્યા પ્રમાણે ધોનીએ તેમને સમજાવ્યું હતું કે ઘણી વખત બેટરના વિચારે છે તેના કરતાં તેની પાસે વધુ સમય હોય છે. આ સલાહે તેમની બેટિંગની વિચારસરણી બદલવામાં મદદ કરી.હવે હોપ મેચના અંતિમ પરિણામ કરતાં પોતાની પ્રક્રિયા પર વધુ ધ્યાન આપે છે.તેઓ પરિસ્થિતિને સમજવાનો,ઇનિંગ્સને નાના ભાગોમાં વહેંચવાનો અને ડેથ ઓવર્સમાં બાઉન્ડ્રી ફટકારવા માટે યોગ્ય તકની રાહ જોવાનો પ્રયાસ કરે છે.આ હાર બાદ ભારતીય ટીમ માટે સૌથી મોટો સંદેશ સ્પષ્ટ છે—વર્લ્ડ કપ પહેલાં ફિલ્ડિંગ અને ડેથ ઓવર્સની બોલિંગમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો – Asian games 2026: સિલ્વરના જોરે ભારત ચોથા નંબરે, ચીન ટોચ પર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *