ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ શ્રેણી દરમિયાન હવે મેદાનની સાથે સોશિયલ મીડિયા પર પણ એક રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શે હોપની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. બંને ખેલાડીઓએ પોતાની શાનદાર જીત અને બેટિંગ બાદ માત્ર 2 શબ્દોના કેપ્શનથી ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ગિલની પોસ્ટ બાદ શે હોપે પણ એ જ અંદાજમાં જવાબ આપ્યો હતો. આ બંને પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવી ગઈ છે.
ગિલના બેવડા સદીના પ્રદર્શન બાદ પોસ્ટ વાયરલ
આ રસપ્રદ ઘટનાની શરૂઆત ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી વનડે મેચ બાદ થઈ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે 406 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.ભારતીય કેપ્ટન શુભમન ગિલે આ ઐતિહાસિક રનચેઝમાં યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેણે 133 બોલમાં અણનમ 223 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.આ શાનદાર જીત બાદ ગિલે ઇન્સ્ટાગ્રામ પર ઉજવણીની તસવીર શેર કરી હતી. તેની સાથે તેણે માત્ર 2 શબ્દોનું કેપ્શન લખ્યું હતું, ‘406? Cool.’ગિલના આ ટૂંકા અને આત્મવિશ્વાસથી ભરેલા કેપ્શને ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને 406 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યા બાદ લખાયેલા આ શબ્દોની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી.
શે હોપે પણ એ જ અંદાજમાં આપ્યો જવાબ
ગિલની પોસ્ટ બાદ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શે હોપે પણ પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. ભારત સામેની T20 શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 250 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મેચમાં શે હોપે કેપ્ટન તરીકે આગળ આવીને શાનદાર બેટિંગ કરી હતી.શે હોપે અણનમ 102 રન બનાવીને વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી યાદગાર જીત અપાવી હતી. આ સાથે ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સફળ રનચેઝ નોંધાવ્યો હતો.આ જીત બાદ શે હોપે પણ ઇન્સ્ટાગ્રામ પર મેચની તસવીર શેર કરી હતી. તેણે ગિલના કેપ્શનની શૈલીમાં જ લખ્યું હતું, ‘250? Cool.’શે હોપની આ પોસ્ટ સામે આવતાં જ ક્રિકેટપ્રેમીઓએ બંને ખેલાડીઓના કેપ્શન વચ્ચેની સમાનતા પર ચર્ચા શરૂ કરી હતી. ગિલે વનડેમાં 406 રનના લક્ષ્યાંકનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે હોપે T20 મેચમાં 250 રનના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરીને એ જ અંદાજ અપનાવ્યો હતો.
મેદાન પર બેટિંગ અને સોશિયલ મીડિયા પર મજાક
ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચેની ટક્કર સામાન્ય બાબત છે, પરંતુ ગિલ અને હોપની આ ઘટના અલગ પ્રકારની ચર્ચા જગાવી રહી છે. બંને ખેલાડીઓએ મેદાન પર પોતાના બેટથી પ્રભાવ પાડ્યા બાદ સોશિયલ મીડિયા પર ટૂંકા કેપ્શન દ્વારા ધ્યાન ખેંચ્યું છે.જોકે, આ પોસ્ટને ગંભીર વિવાદ કે સીધી દુશ્મનાવટ તરીકે જોવાને બદલે ક્રિકેટપ્રેમીઓ તેને હળવી અને મજેદાર સોશિયલ મીડિયા ટક્કર તરીકે જોઈ રહ્યા છે.ખાસ વાત એ છે કે શુભમન ગિલ આ T20 શ્રેણીનો ભાગ નથી. તેમ છતાં વનડેમાં તેની 223 રનની ઇનિંગ્સ બાદ લખાયેલું કેપ્શન હવે શે હોપની T20 મેચ બાદની પોસ્ટ સાથે જોડાઈને ચર્ચામાં આવ્યું છે.આ રીતે ક્રિકેટની સ્પર્ધા હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી છે, જ્યાં માત્ર 2 શબ્દોના કેપ્શન પણ ચાહકોમાં ચર્ચા જગાવી શકે છે.
આ પણ વાંચો – Shreyas Iyer statement : આખરે ટીમ ક્યાં થાપ ખાઈ ગઈ? કારમી હાર બાદ શ્રેયસ ઐયરે ખોલ્યા રાઝ!
