Smartphone Price Hike: iPhone સહિત પ્રીમિયમ સ્માર્ટફોન થશે મોંઘા! વર્ષના અંત સુધીમાં 30 ટકા વધી શકે છે ભાવ

📅 Published: November 20, 2026 | 📂 Category: Business

જો તમે નવો iPhone કે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. આગામી દિવસોમાં સ્માર્ટફોન ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અહેવાલ મુજબ, વર્ષ 2026ના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં 2025ની સરખામણીમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. સ્માર્ટફોન મોંઘા થવા પાછળનું સૌથી મોટું કારણ મેમરી ચિપની વધતી કિંમતો છે. આ સ્થિતિમાં અનેક કંપનીઓના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત રૂ.1 લાખને પાર કરી શકે છે.

AI ડેટા સેન્ટર્સની વધતી માંગથી મેમરી ચિપ મોંઘી

સ્માર્ટફોનની કિંમતોમાં સંભવિત વધારા પાછળ મેમરી ચિપની વધતી કિંમત મુખ્ય કારણ છે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અહેવાલ પ્રમાણે વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન બનાવવાના કુલ ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો માત્ર 13 ટકા હતો.જોકે, 2026ના અંત સુધીમાં આ હિસ્સો વધીને 43 ટકા સુધી પહોંચવાની શક્યતા છે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ડિરેક્ટર તરુણ પાઠકના જણાવ્યા અનુસાર AI ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે DRAM અને NAND મેમરીની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે.તેના કારણે સ્માર્ટફોન કંપનીઓને ફોનનાં ફીચર્સ અને વિવિધ પાર્ટ્સના ઉત્પાદન ખર્ચ અંગે નવી વ્યૂહરચના બનાવવાની ફરજ પડી રહી છે.

Oppoના ફ્લેગશિપ ફોન સૌથી વધુ મોંઘા થયા

રિપોર્ટના આંકડા પ્રમાણે, વાર્ષિક ધોરણે Oppoના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતોમાં સૌથી વધુ 82થી 87 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જ્યારે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટમાં લોકપ્રિય iPhoneની કિંમતોમાં પણ 20થી 22 ટકા સુધીનો વધારો થયો છે. દિવાળી બાદ Samsung અને Xiaomiએ પણ પોતાના અનેક સ્માર્ટફોન મોડલની કિંમતોમાં રૂ.2,000થી રૂ.4,000 સુધીનો વધારો કર્યો છે.આ પહેલાં Samsungએ પોતાના ફ્લેગશિપ ફોન Galaxy S26ની કિંમતમાં પણ 17 ટકાનો વધારો કર્યો હતો.

Apple અને Samsungના ફોનની કિંમત રૂ.2 લાખ તરફ

એક તરફ Apple અને Samsungના ટોપ મોડલની કિંમતો હવે રૂ.2 લાખના આંકડા તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોની અપેક્ષાઓ પણ વધી છે. ગ્રાહકો હવે મોંઘો ફોન ખરીદતા પહેલાં તેની સ્પીડ, કેમેરા, બેટરી લાઇફ, મજબૂતી અને વેચાણ પછી મળતી સર્વિસ જેવી બાબતોનું બારીકાઈથી મૂલ્યાંકન કરે છે.આવી સ્થિતિમાં Google અને iQOO જેવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્રાન્ડ્સને ફાયદો થઈ રહ્યો છે. આ કંપનીઓ એવા ગ્રાહકોને આકર્ષી રહી છે, જેઓ પ્રમાણમાં ઓછી કિંમતમાં શ્રેષ્ઠ ફીચર્સ અને સ્પેસિફિકેશન ધરાવતો સ્માર્ટફોન ઇચ્છે છે.

એકથી વધુ ડિવાઇસને કનેક્ટ કરતા ઇકોસિસ્ટમની માંગ વધી

હાલમાં નોકરી કરતા અને વ્યવસાયિક લોકોમાં એકથી વધુ સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ડિવાઇસને સરળતાથી કનેક્ટ કરી શકાય તેવા ઇકોસિસ્ટમની માંગ પણ વધી રહી છે. ગ્રાહકો હવે માત્ર સ્માર્ટફોનના ફીચર્સ જ નહીં, પરંતુ અન્ય ડિવાઇસ સાથે તેની કનેક્ટિવિટી અને ઉપયોગની સરળતાને પણ મહત્ત્વ આપી રહ્યા છે.આમ, એક તરફ AI ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે મેમરી ચિપ મોંઘી થઈ રહી છે, તો બીજી તરફ સ્માર્ટફોનના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.તેની સીધી અસર આગામી સમયમાં iPhone સહિતની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ્સની કિંમતો પર જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: જો દિલજીત દોસાંજના કોન્સર્ટમાં આ 4 ગીતો રજૂ થતાં તો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *