ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના આજકાલ પોતાના બેટથી ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. સ્મૃતિએ ACC વિમેન્સ એશિયા કપ 2026 માં હોંગકોંગ સામે ધમાકેદાર સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. આ સદી સાથે તેણે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ દ્વારા બનાવેલા એક મોટા વિશ્વ રેકોર્ડને તોડી નાખ્યો.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 64 બોલમાં 124 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ સાથે વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની સદીઓની સંખ્યા 18 થઈ ગઈ. તે હવે વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ મેગ લેનિંગના નામે હતો, જેને તેના ઈન્ટરનેશનલ કરિયરમાં 17 સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડટના નામે પણ 17 સદી છે. વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ 15 સદી સાથે લિસ્ટમાં ચોથા નંબરે છે.
છેલ્લી ઓવરમાં પેવેલિયન પરત ફરી
સ્મૃતિએ ઇનિંગની શરૂઆતથી જ હોંગકોંગના બોલર્સ પર દબાણ જાળવી રાખ્યું. તેણે શેફાલી વર્મા સાથે મળીને ભારતને ઝડપી શરૂઆત અપાવી, પ્રથમ 6 ઓવરમાં 60 રન ઉમેર્યા. શેફાલી 28 રન બનાવીને આઉટ થઈ ગઈ, ત્યારબાદ સ્મૃતિએ જવાબદારી સંભાળી અને ટૂંક સમયમાં જ પોતાની સદી પૂરી કરી, શ્રેણીબદ્ધ રેકોર્ડ તોડી નાખ્યા.
પોતાની સદી પૂરી કર્યા પછી તેણે રુચિતા વેંકટેશ દ્વારા ફેંકવામાં આવેલી ઓવરમાં સતત 3 છગ્ગા ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા. પરંતુ છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર તે રન આઉટ થઈ ગઈ.
વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી
18 – સ્મૃતિ મંધાના
17 – મેગ લેનિંગ
17 – લૌરા વોલ્વાર્ડ
15 – હેલી મેથ્યુસ
14 – સુઝી બેટ્સ
14 – ટેમી બ્યુમોન્ટ
હોંગકોંગને મળ્યો 194 રનનો ટાર્ગેટ
સ્મૃતિની શાનદાર ઈનિંગના સહારે ભારતે પહેલી ઈનિંગમાં 193 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે મેચ પછી સ્મૃતિએ કહ્યું કે તે આ રેકોર્ડથી અજાણ હતી. તેણે હોંગકોંગના બોલરોની પણ પ્રશંસા કરતા કહ્યું કે તેમની ધીમી બોલિંગ સામે બેટિંગ કરવી સરળ નહોતી. સ્મૃતિએ કહ્યું કે પાવરપ્લેમાં વિરોધી ટીમે ખૂબ જ શિસ્તબદ્ધ બોલિંગ કરી. તેને બેટિંગનો આનંદ આવે છે અને તે ટીમમાં યોગદાન આપવા માટે ખુશ છે.
આ પણ વાંચો: Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર
