દેશભરમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષા અને વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં મુસળધાર વરસાદની સ્થિતિ સર્જાઈ છે. પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં સવાર-સાંજ અને રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના જુદા જુદા ભાગોમાં એકસાથે વિવિધ હવામાન પરિસ્થિતિઓ જોવા મળી રહી છે.
હિમવર્ષાને કારણે મુખ્ય વાહનવ્યવહારના રસ્તાઓ બંધ
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા નોંધાઈ છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ, ચંબા અને કાંગડા જિલ્લાના પહાડી વિસ્તારો તેમજ કાશ્મીર ખીણના શિખરો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. આ હિમવર્ષાને કારણે મુખ્ય વાહનવ્યવહારના રસ્તાઓ અને જાણીતા પ્રવાસન સ્થળો પર બરફ જમા થઈ ગયો છે, જેનાથી સ્થાનિક તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે અને શિયાળાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે.
અનેક શહેરોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા
દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત મધ્ય ભારતમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 31°C થી 33°C અને લઘુત્તમ તાપમાન 18°C થી 20°C ની આસપાસ રહેવાનો અંદાજ છે. દિલ્હીમાં દિવસ દરમિયાન ૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લઘુત્તમ તાપમાન સામાન્ય સ્તરે રહેશે પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો
બીજી તરફ, દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 23 ઓક્ટોબર સુધી મુશળધાર વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન (40-50 કિમી/કલાક) ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રાયલસીમા અને યાનમમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
