SOGએ સતત બીજા દિવસે MD ડ્રગ સાથે એકની ધરપકડ કરી:રાજકોટમાં હત્યાના ગુનામાં જામીન પર મુક્ત આરોપી ડ્રગ એડિક્ટ બનતા ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઇવમાં ગાડી ભાડે કરી રાજસ્થાનથી ડ્રગ લાવ્યો હોવાનું રટણ

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેર SOG દ્વારા સતત બીજા દિવસે મેફેડ્રોન ડ્રગ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે પહોંચતા આરોપી મહાવીરસિંહ ઉર્ફે મહાવીર વાળાને ઝડપી તેની પાસેથી 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતા પોલીસે રૂ.74.820નું ડ્રગ તેમજ બલેનો કાર મળી રૂ.7.89 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઈવમાં ગાડી ભાડે કરી રાજસ્થાનથી આ ડ્રગનો જથ્થો પોતે સેવન કરવા માટે લાવ્યો હોવાનું રટણ કરતો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાલાવડ રોડ પરથી 54.730 ગ્રામ MD સાથે તોસીફ આરીફ તુરીયાની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરી ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ MD ડ્રગ સાથે રાજકોટ આવી રહ્યો છે અને વાંકાનેર ચોકડી પાસે ઉભો રહેવાનો છે જેથી પોલીસે કુવાડવ નજીક વાંકાનેર ચોકડી પાસે વોચ ગોઠવી જીજે.03.પીએમ.5445 નંબરની બલેનો કાર આવતા તેમાંથી ઉતરેલા શખ્સને અટકાવી તેનું નામ પૂછતાં મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર વાળા હોવાનું જણાવ્યું હતું જેની અંગજડતી લેતા તેની પાસેથી 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતા ડ્રગ તેમજ મોબાઈલ ફોન અને બલેનો ગાડી મળી કુલ રૂ.7.89 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી મહાવીરસિંહ ઉર્ફે મહાવીર પોતે ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું અને ચાર દિવસ પહેલા બલેનો ગાડી ભાડે લઇ બાદમાં રાજસ્થાન ગયો હતો અને રાજસ્થાનમાં સાંચોર નજીકથી મનોજ બિસ્નોઈ નામના શખ્સ પાસેથી આ મેફેડ્રોન ડ્રગનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતે વર્ષ 2023માં રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં તેમજ મારામારી અને અમદાવાદમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. જામીન પર મુક્ત થયા બાદ આરોપી ડ્રગ એડિક્ટ બની જતા પોતે પોતાના માટે ડ્રગ લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે પરંતુ તે સાચે પોતાના માટે લાવ્યો હતો કે પછી અન્ય કોઈ ને સપ્લાય કરતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે પણ રાજકોટ શહેર SOG દ્વારા કાલાવડ રોડ રામેશ્વર પાર્ટી પ્‍લોટના ખુણા પાસેથી આરોપી તોસીફ આરીફભાઇ તુરીયાને રૂ.1.64 લાખ કિંમતના 54.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી અગાઉ એ-ડિવીઝન પોલીસમાં ચોરીના ગુનામાં અને અન્‍ય એક ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે અને હાલ તે છુટક રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તોસીફ પોતે માદક પદાર્થનો બંધાણી બની જતા પહેલી જ વખત કોઇ વચેટીયાનો સંપર્ક કરી રાજસ્‍થાની શખ્સ પાસેથી એમડી લાવ્‍યાનું રટણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર SOGએ વર્ષ 2025માં NDPSના 27 કેસમાં 38 આરોપીઓની ધરપકડ કરી ₹97.70 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં 748.55 ગ્રામ મેફેડ્રોન, 436.47 ગ્રામ હેરોઇન અને 114.19 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે આજ દિવસ સુધી જાન્યુઆરી 2026થી 20 ઓગસ્ટ 2026 દરમિયાન 25 કેસમાં 37 આરોપીની ધરપકડ કરી ₹1.91 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં 274.222 કિલોગ્રામ ગાંજો, 2.86 કિલો અફીણ, 445.510 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 460.56 ગ્રામ મેફેડ્રોન, 19.300 કિલો પોષડોડા, 98.03 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *