દેશની પ્રમુખ બજેટ એરલાઇન સ્પાઇસજેટ સામે ગંભીર નાણાકીય કટોકટી અને વિમાનોની અછત ઊભી થઈ છે, જેના કારણે કંપનીને દરરોજ 15 થી 20 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. વર્તમાન સમયમાં કંપની પાસે માત્ર 12 વિમાન જ બાકી રહ્યા છે, અને આ ઓપરેશનલ પડકારોની સીધી અસર હવે સામાન્ય હવાઈ મુસાફરો પર પણ પડી રહી છે.
સ્પાઈસ જેટ પર સંકટ, મુસાફરો મુશ્કેલીમાં
મીડિયા અહેવાલ મુજબ, સ્પાઇસજેટ અત્યંત ગંભીર નાણાકીય અને સંચાલન સંકટનો સામનો કરી રહી છે. એરલાઇન દ્વારા દૈનિક ધોરણે આશરે 65 ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવે છે, પરંતુ તેમાંથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા ઉપરાંત રિશેડ્યૂલ અને મોડી પડવાની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, જેના લીધે પ્રવાસીઓને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
પેમેન્ટની ચૂકવણી ન થવાને કારણે વધી સમસ્યાઓ
કંપનીની આ હાલત પાછળનું મુખ્ય કારણ બાકી રહેલું પેમેન્ટ છે. સ્પાઇસજેટ દ્વારા એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટરો, ફ્યુઅલ (તેલ) કંપનીઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના નાણાં ચૂકવવાના બાકી છે. સમયસર ચૂકવણી ન થવાને કારણે 3 એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થઈ ગયા છે, જેની સીધી અસર દૈનિક ફ્લાઇટ સંચાલન પર પડી રહી છે.
કર્મચારીઓના પગાર પર પણ અસર અને વધતી ચિંતા
સ્પાઇસજેટની આ ખરાબ નાણાકીય સ્થિતિની અસર તેના કર્મચારીઓ પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, કર્મચારીઓના પગાર જૂન 2026 સુધી મોડા ચૂકવવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્ટાફમાં પણ ચિંતાનું વાતાવરણ છે. આ સતત વધતા નાણાકીય દબાણને કારણે એરલાઇન માટે સામાન્ય કામગીરી ચાલુ રાખવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
મુસાફરી કરતા પહેલા ફ્લાઇટની સ્થિતિ ચોક્કસ તપાસો
ફ્લાઇટ્સની સંખ્યા ઘટવા અને અવારનવાર રદ થવાને કારણે મુસાફરોને છેલ્લી ઘડીએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, જે પણ મુસાફરોએ સ્પાઇસજેટમાં ટિકિટ બુક કરી છે તેમણે પ્રવાસ કરતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ અચૂક ચકાસી લેવું જોઈએ. જો ફ્લાઇટ રદ થાય તો એરલાઇન પાસેથી રિબુકિંગ અને રિફંડ અંગે સમયસર માહિતી મેળવી લેવી હિતાવહ છે.
