Srinagar સેન્ટ્રલ જેલમાંથી POCSOના બે કેદી ફરાર, પોલીસમાં ખળભળાટ

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

જમ્મુ-કાશ્મીરની શ્રીનગર સેન્ટ્રલ જેલમાંથી POCSOના અલગ-અલગ કેસમાં બંધ બે કેદીઓ ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે બંનેને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. સાથે જ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

POCSO કેસની FIRમાં વોન્ટેડ છે આરોપી

શ્રીનગર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, બંને આરોપીઓ POCSOના અલગ-અલગ કેસમાં જેલમાં બંધ હતા. તેમના ફરાર થયા બાદ કાશ્મીરથી બહાર જવાના તમામ માર્ગો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરેલી માહિતી અનુસાર ફરાર આરોપીઓમાં અનંતનાગના સાંગલન ચિત્તરગુલ વિસ્તારના રહેવાસી મુખ્તાર અહમદ ગુજ્જરનો સમાવેશ થાય છે. તે સૌરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા POCSO કેસની FIRમાં વોન્ટેડ છે.

પોલીસે જનતાને કરી અપીલ

બીજો ફરાર આરોપી ફરમાન ખાન છે, જે સદનપોરા રણ વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તે લાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક FIR કેસમાં વોન્ટેડ છે. પોલીસે બંને આરોપીઓના ફોટા અને વિગતો જાહેર કરીને લોકોને પણ સહકાર આપવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંનેના ઠેકાણા અથવા તેમની હિલચાલ અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા 112 નંબર પર જાણ કરવી.

બંને આરોપીઓને પકડવામાં મદદરૂપ માહિતી આપનાર વ્યક્તિને યોગ્ય ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંભવિત ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. બંને કેદીઓ જેલમાંથી કેવી રીતે ફરાર થયા અને તેમાં કોઈની બેદરકારી કે મદદ હતી કે કેમ તે અંગે પણ તપાસ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Uttar Pradesh : મથુરામાં ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ, રૂપિયા 1.25 કરોડના 250 કિલો ગાંજા સાથે 5 આરોપી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *