Stock Market Close: : બજાર લાલ નિશાન સાથે બંધ, શેરબજારમાં ભયંકર તબાહીના આ છે 5 કારણો

📅 Published: October 8, 2026 | 📂 Category: Business

ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ ચાલુ છે. ગુરુવારે, અઠવાડિયાના ચોથા દિવસે, સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયા.  RBIની કડક નીતિઓ, FII દ્વારા સતત વેચાણ અને અન્ય પરિબળોની બજાર પર અસર દેખાઈ. બજારમાં બપોરના 12.00 વાગ્યા પછી જબરજસ્ત ભૂચાલ આવ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 1.5% થી વધુનો ઘટાડો થયો. બજાર ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું. ભારતીય શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી.

બજારમાં ભૂકંપ, ઘટાડા સાથે બંધ

ગુરુવારે બપોરે 3.30 વાગ્યે બજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1200 પોઈન્ટના કડાકો અને નિફ્ટીમાં પણ અંદાજે 400 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો.  નિફ્ટી 50 22,179 ના નવા 52-અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયો, જ્યારે સેન્સેક્સ 1,200 થી વધુ પોઈન્ટ ઘટીને 71,400 ની નીચે બંધ થયો. આ મોટા પાયે વેચવાલીથી BSE પર સૂચિબદ્ધ કંપનીઓના કુલ બજાર મૂડીમાં આશરે ₹11 લાખ કરોડનો ઘટાડો થયો. આનો અર્થ એ થયો કે રોકાણકારોને 11 લાખ કરોડથી વધુનું નુકસાન થયું. 

શેરબજારમાં કડાકાના 5 મુખ્ય કારણો

1. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો: વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2.02% વધીને $102.2 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર વધતા ભૂ-રાજકીય હુમલાઓના કારણે મધ્ય પૂર્વમાંથી તેલના સપ્લાયમાં વિક્ષેપ આવવાની આશંકા ઊભી થઈ છે, જેણે બજારનો મૂડ બગાડ્યો છે.

2. FII દ્વારા આક્રમક વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારતીય શેરબજારમાંથી નાણાં પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે. માત્ર બુધવારના એક જ ટ્રેડિંગ સત્રમાં FII એ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી ₹6,100 કરોડથી વધુના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

3. RBI દ્વારા રેપો રેટમાં વધારો અને કડક વલણ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની એમપીસી બેઠકમાં રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધારીને 5.50% કરવામાં આવ્યો છે, જે છેલ્લા ચાર વર્ષમાં પહેલો વધારો છે. આરબીઆઈએ પોતાનું વલણ “તટસ્થ” માંથી “કેલિબ્રેટેડ કડક” બનાવતાં નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપની સંભાવના પૂર્ણ થઈ ગઈ છે. HST વેલ્થના CEO હરિસેલવન રાધાકૃષ્ણનના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી કડક નાણાકીય નીતિના ભયથી રોકાણકારો સાવચેત બન્યા છે.

4. નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ ફેડનો ઈશારો: એશિયન બજારો જેવા કે કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં વધુ એક વધારાના સંકેત મળતાં વોલ સ્ટ્રીટ અને ગ્લોબલ ફ્યુચર્સ લાલ નિશાનમાં ગરકાવ થયા હતા.

5. અદાણી ગ્રુપ અને સેક્ટરલ ઈન્ડેક્સમાં ભારે તૂટતી: નિફ્ટી 50 માં અદાણી એન્ટરપ્રાઇઝિસ સૌથી વધુ 8% અને અદાણી પોર્ટ્સ 4% થી વધુ ઘટીને બંધ રહ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીમાં 9%, અદાણી પાવરમાં 6% અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ ધોરણે, નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3% થી વધુ ઘટીને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રહ્યો હતો, જ્યારે નિફ્ટી એનર્જીમાં પણ 2% નો કડાકો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુજરાતના આ બે શહેરોમાં ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ! જાણો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *