ભારતીય બજારોમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી વેચવાલી શુક્રવારના સત્રમાં અટકી શકે છે, કારણ કે ‘ગિફ્ટ નિફ્ટી’ (GIFT Nifty) મજબૂતીના સંકેત આપી રહ્યું છે. આ સૂચકાંક 22850 ના સ્તરની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં લગભગ 160 પોઈન્ટનો મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં તેજી
સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખૂલ્યા. સેન્સેક્સ 295.94 પોઇન્ટના વધારા સાથે 73,545.33 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 31.05 પોઇન્ટના વધારા સાથે 22,718.70 અંકે ખૂલ્યો. તો આ તરફ ક્રૂડ ઓઈલના ભાવ ચિંતાનો વિષય બન્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 113 ડોલરને પાર કરી ગયો છે, જે સવારના સત્ર દરમિયાન 114 ડોલર સુધી પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારોમાં નબળાઈ
એશિયાઈ બજારોમાં પણ નબળાઈ જોવા મળી રહી છે, જ્યાં મોટાભાગના સૂચકાંકો આજે સવારે ઘટાડા સાથે ખુલ્યા છે. શાંઘાઈ કમ્પોઝિટ 1.47 % નીચે છે, જાપાનનો નિક્કેઈ 1.7% ઘટ્યો છે અને કોસ્પી (KOSPI) 2 %ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સંબંધિત શેરોમાં વેચવાલીની અસર યુએસ બજારો પર પણ પડી છે; ગુરુવારે નાસ્ડેક (Nasdaq) 2.6 % ઘટીને બંધ થયો હતો, જ્યારે S&P 500માં ૧.૨%નો ઘટાડો નોંધાયો હતો.
‘એનરિચ મની’ (Enrich Money) ના સીઈઓ પોન્મુદી આર.ના જણાવ્યા અનુસાર, યુએસ તરફથી મળેલા નબળા સંકેતો અને ટેક્નોલોજી શેરોમાં જોવા મળેલી વેચવાલીની અસર એશિયાઈ બજારો સુધી પહોંચવાને કારણે ભારતીય શેરબજારો સાવચેતીભર્યા વલણ સાથે આગળ વધી શકે છે. શરૂઆતી કારોબારમાં જાપાનનો નિક્કેઈ ૨૨૫ (Nikkei 225) 1%થી વધુ ઘટ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 3%થી વધુ નીચે આવ્યો છે જે પ્રાદેશિક બજારોમાં જોખમ લેવાથી બચવાની (risk aversion) વ્યાપક વૃત્તિને દર્શાવે છે.
