Stock Market Today: શેરબજારમાં 1247 પોઇન્ટનો કડાકો, આ 3 કારણો જવાબદાર

📅 Published: September 24, 2026 | 📂 Category: Business

આજનો દિવસ ભારતીય શેરબજાર માટે એક દુઃસ્વપ્ન સમાન સાબિત થયો. શરૂઆતના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકોમાં સુસ્તી જોવા મળી હતી, પરંતુ બપોર સુધીમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ. બજારમાં મોટા પાયે વેચવાલીનું મોજું ફરી વળ્યું, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં (નુકસાનમાં) આવી ગયા.

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 1,247.71 પોઇન્ટના ઘટાડા સાથે 73,580.54 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 383.70 પોઇન્ટના ઘટાડા સાથે 23,063.10 અંકે બંધ થયો. HDFC લાઇફ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ જેવા મુખ્ય શેરોએ આ ભારે ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવી હતી; આ દિગ્ગજ શેરોના ઘટાડાને કારણે સમગ્ર બજાર દબાણ હેઠળ આવી ગયું હતું. 

શેર માર્કેટ કેમ થયુ ડાઉન ? 


ક્રૂડ ઓઇલમાં ઘટાડો 

શેરબજારમાં આ અસ્થિરતા માટે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. તેનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 106 ડોલરની સપાટીને વટાવી ગયો છે. આનાથી વધતી જતી મોંઘવારી અને ભારતના આયાત બિલમાં વધારા અંગેની ચિંતાઓ વધી છે.

બીજી તરફ, યુએસ બોન્ડ યીલ્ડ (વળતર) વધીને 5.11 % પર પહોંચી ગયું છે, જેનાથી વૈશ્વિક ઇક્વિટી વેલ્યુએશન પર ભારે દબાણ સર્જાયું છે. જિઓજીત ઇન્વેસ્ટમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી.કે. વિજયકુમાર માને છે કે બ્રેન્ટ ક્રૂડનું 106  ડોલરથી ઉપર જવું અને ૧૦-વર્ષીય યુએસ ટ્રેઝરી યીલ્ડનું 5.11% સુધી પહોંચવું એ ભારતીય બજાર માટે સૌથી મોટા પડકારો છે. જ્યાં સુધી ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેશે ત્યાં સુધી બજારમાં સતત રિકવરીની શક્યતા ઓછી છે.

સ્મોલ-કેપ શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ

આ ભારે ઘટાડા વચ્ચે એક રસપ્રદ વલણ પણ જોવા મળી રહ્યું છે. આકર્ષક ભાવ હોવા છતાં લાર્જ-કેપ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે રોકાણકારો મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. સ્થાનિક રોકાણકારો તરફથી આવતા નાણાંના પ્રવાહને કારણે આ નાના શેરોને મજબૂતી મળી રહી છે.

નિષ્ણાતો નોંધે છે કે ઊંચા વેલ્યુએશન હોવા છતાં ‘ગ્રોથ સ્ટોક્સ’ (વિકાસલક્ષી શેરો)માં મજબૂત ખરીદી જોવા મળી રહી છે. બજારમાં સ્થાનિક તરલતા (લિક્વિડિટી)નો મજબૂત પ્રવાહ સ્મોલ-કેપ શેરોને ટકાવી રાખી રહ્યો છે. જોકે, વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આ વલણ બદલાઈ શકે છે; તે સંપૂર્ણપણે ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક બોન્ડ યીલ્ડની ગતિવિધિ પર નિર્ભર રહેશે.

ડોલર સામે રૂપિયો નબળો પડ્યો

શેરબજારમાં ઘટાડાની સાથે સાથે ચલણ બજારમાંથી પણ ખરાબ સમાચાર આવ્યા છે. શરૂઆતના કારોબારમાં, ડોલર સામે ભારતીય રૂપિયો 11 પૈસા ઘટીને 95.84  ના સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે યુએસ ડોલર મજબૂત બન્યો છે.

ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે વિદેશી મૂડીના પ્રવાહથી પણ રૂપિયાને ખાસ કોઈ ટેકો મળ્યો નથી. એકંદરે, સ્થાનિક બજારમાં વ્યાપક વેચવાલી અને ડોલરની મજબૂતી બજારના મનોબળને નબળું પાડી રહ્યા છે. સામૂહિક રીતે, આ વૈશ્વિક પરિબળોએ આજે ​​ભારતીય શેરબજાર પર ભારે દબાણ ઊભું કર્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *