સુરત જિલ્લાના ઓલપાડથી કિમ તરફ જતા મુખ્ય માર્ગ પર એક સીએનજી (CNG) કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સુરતથી હાંસોટ તરફ જઈ રહેલી કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની ચપેટમાં લઈ લેતાં માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
કારચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યો
કારમાં ધુમાડા નીકળતાં અને આગ લાગતાં જ કારચાલકે અદભુત સમયસૂચકતા અને ત્વરિત બુદ્ધિશક્તિ વાપરી હતી. કારમાં સવાર ચાલકે તાત્કાલિક વાહન રોકીને સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલકના ઝડપી નિર્ણયના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
કારમાં વિકરાળ આગ લાગી હોવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડને લાઈવ કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે સીએનજી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
