સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 11 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ ઝેડ ઝહીરનું કરૂણ મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. મૃતક બાળક ડેન્ગ્યુની બીમારીથી પીડાતો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકનું અચાનક મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર અને સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે જ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો સંગીન આક્ષેપ કર્યો છે.
રાત્રે ઈંજેક્શન આપ્યા બાદ તબિયત લથડી
પરિવારજનોના જણાવ્યા મુજબ, ગત મોડી રાત્રે બાળકની તબિયત અચાનક લથડી હતી, જેથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા તેને ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. ઈંજેક્શન આપ્યા બાદ બાળકને તુરંત 4થી 5 વખત ઝાડા થઈ ગયા હતા અને તે ક્ષણવારમાં બેભાન થઈ ગયો હતો. ગભરાયેલા હોસ્પિટલ તંત્રએ બાળકની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનો તેને અન્ય હોસ્પિટલ લઈ જતાં ત્યાંના ફરજ પરના તબીબોએ બાળકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો.
તબીબની સફાઈ અને પોલીસ તપાસ
બીજી તરફ હોસ્પિટલના તબીબે બેદરકારીના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, બાળકને ગત 30 સપ્ટેમ્બર 2026ના રોજ ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને તેની સ્થિતિમાં સુધારો પણ આવી રહ્યો હતો. ગત રાત્રે 2:00 વાગ્યાની આસપાસ બાળકે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરતા નર્સ દ્વારા સિરપ અને ત્યારબાદ ‘Buscopan’ ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. અડધા કલાક બાદ તેને ઝાડા થતાં તે બેભાન બન્યો હતો અને વેન્ટિલેટર પર રાખી સીપીઆર આપવા છતાં બચાવી શકાયો નહોતો. ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
