સુરત શહેરના ભટાર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં રહેતી એક માસૂમ 9 વર્ષની બાળકીને તેના જ પડોશમાં રહેતા 45 વર્ષીય નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ માસૂમ બાળકીને ચોકલેટ કે વસ્તુ આપવાની લાલચ આપી ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
પેટમાં દુખાવો થતાં સત્ય બહાર આવ્યું
બનાવ બન્યાના બે દિવસ બાદ બાળકીને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બાળકીની તબિયત લથડતાં અને તે સતત દર્દથી પીડાતી હોવાથી પરિવારજનોએ તેની પૂછપરછ હાથ ધરી હતી. ગભરાયેલી માસૂમ બાળકીએ હિંમત ભેગી કરીને પોતાના પરિવારજનો સામે પડોશી નરાધમે કરેલી તમામ કાળી કરતૂતોની આપવીતી વર્ણવી હતી. સમગ્ર સત્ય સામે આવતાં જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા.
આરોપી નંદલાલ મુખ્યાની ધરપકડ
પરિવારજનોની આપવીતી અને તબીબી તપાસના આધારે પોલીસે તાત્કાલિક અસરથી ગંભીર ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવમાં સંકળાયેલા આરોપી નંદલાલ મુખ્યા નામના 45 વર્ષીય શખ્સ સામે પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. પોલીસે પીડિત બાળકીને તબીબી પરીક્ષણ અર્થે હોસ્પિટલ ખસેડીને આરોપી સામે આકરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
