સુરતના વરાછા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને સ્થાનિક તંત્રની બેદરકારી છતી કરતી ઘટના સામે આવી છે. વરાછા ખાતે આવેલા પ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અચાનક ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતાં ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાઈ ગયા છે. આ ગંદુ પાણી છેક મહાદેવના ગર્ભમાં આવેલા શિવલિંગ સુધી પહોંચી જતાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.
તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરની ઘોર ઉપેક્ષા
આ પવિત્ર સ્થળે સર્જાયેલી દયનીય સ્થિતિ અંગે સ્થાનિક રહિશો અને મંદિર સત્તાવાળાઓ દ્વારા વરાછા વિસ્તારના કોર્પોરેટર તેમજ સુરત મહાનગરપાલિકા (SMC) ના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકાના બેદરકાર તંત્રના કાને જૂ પણ સરકી નથી અને પરિસ્થિતિ જસની તસ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ સકારાત્મક પગલાં ન લેવાતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આસ્થા સાથે રમતથી શ્રદ્ધાળુઓમાં ભયંકર આક્રોશ
બારમાસી ઉત્સવો અને પવિત્ર દિવસોમાં શિવભક્તોની આસ્થા સાથે થઈ રહેલી આ ખુલ્લી મજાકથી સમગ્ર વરાછા વિસ્તારના લોકોમાં ભારે ગુસ્સો અને આક્રોશ વ્યાપી ગયો છે. વારંવારની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતાં ભક્તોએ SMC સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને વહેલી તકે મંદિર પરિસરની સફાઈ કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરી છે.
