સુરત શહેરમાં ઓનલાઇન શોપિંગ કરતા ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઇન કપડાં મંગાવવાનું ભારે પડી ગયું છે. યુવકે જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ (Flipkart) પરથી શર્ટનો ઓર્ડર આપ્યો હતો. જોકે, ડિલિવરી મળ્યા બાદ પારસલ ખોલતા શર્ટના બદલે પેન્ટ નીકળ્યું હતું. આથી યુવકે આ સામાન રિટર્ન કરીને નાણાં કે સાચો ઓર્ડર મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ આ દરમિયાન તે સાયબર ઠગબાજોની જાળમાં ફસાઈ ગયો હતો.
કસ્ટમર કેરના નામે ઠગોએ મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી રૂ.75,000 ઉપાડી લીધા
પારસલ રિટર્ન કરવા માટે યુવકે ઓનલાઇન કસ્ટમર કેર નંબર શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાયબર ક્રાઇમ આચરતી ભેજાબાજ ટોળકીએ કસ્ટમર કેરના પ્રતિનિધિ બનીને યુવકનો સંપર્ક કર્યો હતો. ઠગબાજોએ રિટર્નની પ્રોસેસ પૂર્ણ કરવાના બહાને યુવકના મોબાઈલ ફોનમાં એક અજાણી રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશન ડાઉનલોડ થતાં જ સાયબર ઠગોએ યુવકના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો અને તેના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ.75,000ની રકમ ઉપાડી લીધી હતી.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ, સાયબર સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોતાના બેંક એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જતાં યુવકને પોતાની સાથે મોટી ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. ભોગ બનનાર યુવકે તાત્કાલિક આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકે પહોંચી સાયબર ફ્રોડ અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધીને જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર તેમજ નાણાં કયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તે દિશામાં સાયબર સેલની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Bhavnagar News : મફતનગરના મકાનમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક, એન્ટી નાર્કોટિક્સ ટીમે ઝડપ્યા 12 છોડ
