Suratના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટના 6 કાપડ વેપારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા

📅 Published: August 21, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ પાર્કમાં મોડી રાત્રે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ધમધમતી જુગારની ક્લબ પર સારોલી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતા અને કાપડના મોટા વેપાર સાથે સંકળાયેલા 6 કાપડ વેપારીઓ પાના પર હાર-જીતનો બાજી માંડીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીમાં રમાઈ રહ્યો હતો જુગાર

પોલીસે સ્થળ પરથી દરોડા દરમિયાન જુગારના અડ્ડા પરથી રૂ.5 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત વેપારીઓ પાસેથી મળેલા મોંઘાડાટ સ્માર્ટફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ 6 વેપારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરીને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપડ બજારના જાણીતા વેપારીઓ જુગાર રમતા ઝડપાતાં સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે.

6 વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપ્યા 

સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે જુગારધામો સામે પોલીસે હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શાંતિનો ગેરલાભ ઉઠાવીને વેપારની આડમાં બાજી મંડાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે વોચ ગોઠવીને આ સફળ કામગીરી કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ સારોલી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *