સુરત શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ જીવનજરૂરી ખાદ્યચીજોના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી દાળ, ચોખા અને ખાંડ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું ઘરચલાવવાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રોજેરોજ કમાઈને ખાનારા શ્રમિકો અને ગૃહિણો આ સતત વધતી મોંઘવારીથી કંટાળી ગયા છે અને સરકાર દ્વારા ભાવવધારા પર તાત્કાલિક અંકુશ મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
વેપારીઓનું નિવેદન: ચોખા, દાળ અને ખાંડમાં નોંધપાત્ર વધારો
ખાદ્યચીજોના ભાવવધારા અંગે વેપારીઓએ આપેલા નિવેદન મુજબ, છેલ્લા કેટલાક સમયથી ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. એક મહિના પહેલાં 20 કિલો ચોખાનો ભાવ રૂ. 1000 થી 1500 હતો, જે વધીને હવે રૂ. 1050 થી 1560 થયો છે. આ જ રીતે 25 કિલો દાળના ભાવ રૂ. 1100-1500 થી વધીને રૂ. 1200-1560 એ પહોંચ્યા છે. જ્યારે 100 કિલો ખાંડનો ભાવ રૂ. 4500 થી સીધો વધીને રૂ. 5500 થઈ ગયો છે, જેથી ગ્રાહકોની ખરીદશક્તિ પર સીધી અસર પડી રહી છે.

ઓછા વરસાદ અને ઉત્પાદન ઘટવાના કારણે ભાવવધારો
વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે પાકનું વાવેતર અને ઉત્પાદન બંને ઓછું થયું છે, જે આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ છે. દિવાળી પહેલાં આ રીતે ભાવ વધતાં ગૃહિણોની ચિંતામાં વધારો થયો છે. વેપારીઓનું માનવું છે કે હવે દિવાળી પછી જ્યારે નવો માલ બજારમાં આવશે, ત્યારે જ ભાવની સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યાં સુધી ગ્રાહકોએ આ મોંઘવારીનો સામનો કરવો પડશે.
