Suratમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં, રાજ્યભરની હોટલ-રેસ્ટોરન્ટમાં 3 દિવસ કડક ચેકિંગના આદેશ

📅 Published: August 18, 2026 | 📂 Category: Surat

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ સંદેશ ન્યૂઝ સમક્ષ નિવેદન આપતા ઘટના પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે તમામ જરૂરી માહિતી મેળવી લેવામાં આવી છે અને તેમણે પોતે દર્દીઓ તેમજ સારવાર કરી રહેલા તબીબો સાથે ફોન પર સીધી વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. બાળકીના પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને રિપોર્ટ આવતા જ પોલીસને જાણ કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.

રાજ્યભરની હોટલ-રેસ્ટોરન્ટમાં 3 દિવસ કડક તપાસના આદેશ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં આગામી 3 દિવસ સુધી સઘન અને કડક ચકાસણી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને હાઈજીન મેઈન્ટેનન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ રોકી શકાય.

સુરતના તમામ 9 ઝોનમાં આરોગ્ય વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ

બાળકીના મોતની ઘટના જ્યાં બની તે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં આવેલી તમામ હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમોમાં ચેકિંગ હાથ ધરવા માટે વિશેષ ટીમો તૈનાત કરી દેવાઈ છે. અસ્વચ્છતા કે અખાદ્ય ખોરાક પીરસતા જણાશે તેવા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહીથી લઈને સીલિંગ સુધીના આકરા પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadhના માંગરોળમાં ખેડૂતોનો હોબાળો, જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે નોંધાવ્યો વિરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *