Suratમાં ફૂડ સેફ્ટીની ઝુંબેશ યથાવત્, 8 દિવસમાં 6463.99 કિલો અખાદ્ય ખોરાકનો નાશ અને 38.51 લાખનો દંડ

📅 Published: August 26, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્થળો સામે શરૂ કરવામાં આવેલી તપાસ ઝુંબેશ આઠમા દિવસે પણ યથાવત્ રહી છે. વિભાગે માત્ર આઠમા દિવસે જ 239 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 419.80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

108 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ અપાઇ 

ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને અન્ય નિયમોના પાલનને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આઠમા દિવસની કાર્યવાહીમાં 108 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ આપવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન સામે આવતા સ્થળ પર જ કુલ રૂપિયા 4,78,550નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

8 દિવસ દરમિયાન કુલ 1988 હોટલ અને રેસ્ટોરન્ટોની તપાસ

વિભાગની સતત ચાલી રહેલી આ ઝુંબેશમાં છેલ્લા 8 દિવસ દરમિયાન કુલ 1988 હોટલ અને રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય અને માનવ આરોગ્ય માટે યોગ્ય ન હોય તેવો ખોરાક મળી આવતા કુલ 6463.99 કિલો ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

38,51,350નો દંડ વસૂલવામાં આવ્યો

તપાસની કામગીરીમાં નિયમોનું પાલન ન કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા દિવસોમાં કુલ 1018 હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે વિવિધ સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 38,51,350નો દંડ વસૂલવામાં આવ્યો છે.

હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ

ફૂડ સેફ્ટી વિભાગની સતત કાર્યવાહીથી હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ તપાસની આ ઝુંબેશ યથાવત્ રહે તેવી શક્યતા છે.  

 આ પણ વાંચો  :      Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *