સુરત શહેરમાં સરકારી ધારાધોરણો અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરીને બિનઅધિકૃત રીતે નવરાત્રી ગરબા યોજતા આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે. સરોલી પોલીસ સ્ટેશન દ્વારા પુણા કેનાલ રોડ પર યોજાનાર “JG નવરાત્રી” ના આયોજકોને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય પરવાનગી અને પ્રિમિયસીસ લાયસન્સ વગર ગરબાનું આયોજન કરવા બદલ પોલીસ દ્વારા આ કડક આદેશ આપવામાં આવ્યો છે.
અગાઉ જાણ કરવા છતાં મંજૂરી ન લીધી
પુણા કેનાલ રોડ પર રાયન ડાઇંગ હોટલ નજીક યોજાનાર આ ગરબા મહોત્સવ માટે જરૂરી સરકારી દસ્તાવેજો રજૂ કરીને પ્રિમિયસીસ લાયસન્સ મેળવવામાં આવ્યું નહોતું. સરોલી પોલીસ દ્વારા આ અગાઉ લેખિત તેમજ ટેલિફોનિક જાણ કરવા છતાં આયોજકો દ્વારા મંજૂરી લેવામાં આવી નહોતી. જેના પગલે પોલીસે શક્તિ પ્રફુલભાઈ ગોહિલ સહિતના અન્ય આયોજકો અને આગેવાનોને સત્તાવાર નોટિસ બજાવી દીધી છે.

પરવાનગી વગર ગરબા યોજવા સામે ચેતવણી
સરોલી પોલીસે સ્પષ્ટ તાકીદ કરી છે કે જો જરૂરી મંજૂરી અને લાયસન્સ વગર સદર જગ્યા પર ગરબાનું આયોજન શરૂ કરવામાં આવશે, તો આયોજકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર પોલીસે તમામ આયોજકોને કડક સંદેશ આપ્યો છે કે સરકારી નિયમો, જાહેર સલામતી અને કાયદાકીય મંજૂરી વગર થતા કોઈપણ નવરાત્રી આયોજનો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
