સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી પલમોનાઝ જ્વેલર્સ નામની શોરૂમમાં ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. અડાજણના અત્યંત વ્યસ્ત એવા એલ.પી. સવાણી મેઈન રોડ પર આ શોરૂમ આવેલો છે, જ્યાં ચોરોએ ત્રાટકીને અંદાજે રૂપિયા 30 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી આચરી છે. મુખ્ય માર્ગ પર સતત વાહનોની અવરજવર હોવા છતાં આ પ્રકારે ચોરી થતાં સમગ્ર અડાજણ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
શોરૂમના જ સંચાલક કે કર્મચારી પર આશંકા
પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન આ ઘટના વહેલી સવારે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. ચોરીની પદ્ધતિ અને સમયને જોતાં પોલીસને આશંકા છે કે આ ઘટનામાં શોરૂમ સાથે સંકળાયેલા કોઈ સંચાલક, કર્મચારી કે અંદરની માહિતી ધરાવનાર વ્યક્તિની જ સંડોવણી હોઈ શકે છે. જાણભેદુ સિવાય આટલા ટૂંક સમયમાં અને ધમધમતા રસ્તા પરથી સફળતાપૂર્વક માલસામાન ગાયબ કરવો મુશ્કેલ છે.
અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં
ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ સ્ટેશનનો કાફલો અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને શોરૂમ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ કબ્જે કર્યા છે. આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને શંકાસ્પદોની સઘન પૂછપરછ અને તપાસ તેજ કરી છે.
