Surat: અટોદરાની પહલ સોલાર કંપનીમાં 67.95 લાખના કોપર સામાન ચોરીમાં ચાર ઝડપાયા

📅 Published: August 16, 2026 | 📂 Category: Surat

સાંધીએર : ઓલપાડના અટોદરા ગામની સીમમાં આવેલી પહલ સોલાર કંપનીમાંથી રૂ. 67.95 લાખની કિંમતના કોપર સામાનની ચોરીના ચાર આરોપીઓને પોલીસે દબોચી રૂ. 17.86 લાખનો માલ રિકવર કર્યો છે. આ ચોરીમાં સામેલ મુખ્ય સૂત્રધાર અને કંપનીના આસિ. સિનિયર ફરાર છે.

ગત તા. 11મી ઓગસ્ટના રોજ ઓલપાડ પોલીસ મથકમાં અટોદરા ગામની સીમમાં આવેલ પહલ સોલાર પ્રા.લી. કંપનીના સ્ટોરમાંથી રૂ. 67.95 લાખનો કોપરનો સામાન ચોરાયો હતો. આ ચોરીમાં કંપનીમાં કામ કરતા 4 કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાયું હતું. પીઆઇ સી.આર.જાદવે ગુના સ્થળ અને આજુબાજુના સીસી ટીવી ફૂટેજ કબજે લઈ ચોરોનું પગેરું શોધવા હ્યુમન સોર્સિસનો આધાર લીધો હતો. આ તપાસ દરમિયાન બાતમીના આધારે ચાર આરોપીઓને દબોચી લીધા હતાં. પોલીસે મૂળ અમદાવાદના નારણપુરા વિસ્તારનો વતની તેમજ કંપનીમાં સ્ટોર મેનેજરની નોકરી કરતો અર્જુન વિજય પંચાલ (હાલ રહે. ઘર નં. 26-27, સિંઘવાઇ માતાનું મંદિર, રૂગતા આઇ હોસ્પિટલ, ભરૂચ) તથા મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની અને કંપનીમાં સ્ટોર સિનિયર આસિ.ની નોકરી કરતો કમલ લોચન અમૂલ્ય નાયક (હાલ રહે. ઘર નં. 17, અંજની રેસિડેન્સી-ઓલપાડ) તેમજ કંપનીમાં ટેમ્પો ડ્રાઇવરની નોકરી કરતો મૂળ ખેડા જિલ્લાના વણસર ગામનો વતની મૈનેશ ભીખા પટેલ (હાલ રહે. ઘર નં.એ/37, ક્રિશ્ના રેસિડેન્સી, અટોદરા) તેમજ ભંગારનો સામાન લે-વેચ કરતો અને ચોરીનો મુદ્દામાલ લેનાર મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો વતની સત્તાર રજાક મેવ (ઉં.વ.36, હાલ રહે. પિંજરત)ને દબોચી લીધો હતો. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી રૂપિયા 17,86,100નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જો કે આ ચોરી ગુનાનો મુખ્ય સૂત્રધાર અને કંપનીમાં સ્ટોર સિનિયર આસિ.ની નોકરી કરતો હિરપાલ પરેશસિંહ યાદવ (રહે. રાજપૂત ફળિયું, કુદીયાણા, તા. ઓલપાડ) ફરાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *