દક્ષિણ ગુજરાતના કાપડ અને ડાયમંડ નગરી સુરતથી મેવાડના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઉદેપુર વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સુરત-ઉદેપુર વંદે ભારત એક્સપ્રેસનું નવું રેક સુરત રેલવે સ્ટેશને આવી પહોંચ્યું છે. આ ટ્રેનને સુરત સ્ટેશન નજીક આવેલા કોચિંગ યાર્ડના પિટ-1 (Pit-1) ખાતે રાખવામાં આવી છે, જ્યાં રેલવેના ટેકનિકલ એન્જિનિયરો અને અધિકારીઓ દ્વારા ટ્રેનનું ફાઇનલ ટેસ્ટિંગ તેમજ ઝીણવટભર્યું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે.
સુરતવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર
રેલવે પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, ગાંધી જયંતીના દિવસે એટલે કે 2 ઓક્ટોબરે આ વંદે ભારત ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ 3 ઓક્ટોબરથી આ ટ્રેન સામાન્ય મુસાફરો માટે નિયમિત રીતે શરૂ કરી દેવાશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જેનાથી વેપારીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરોને અત્યંત ઝડપી અને સુવિધાસભર સફરનો લાભ મળશે.
વંદે ભારત ટ્રેનનું રેક આવી પહોંચ્યું સુરત
સુરત અને ઉત્તર ગુજરાત-રાજસ્થાન વચ્ચે રોજેરોજ હજારો લોકો મુસાફરી કરે છે. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર સમયની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે ઘટી જશે. આધુનિક એર-કંડિશનર કોચ, ઓટોમેટિક દરવાજા, જીપીએસ બેઝ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઉત્કૃષ્ટ બેઠક વ્યવસ્થાથી સજ્જ આ ટ્રેન મુસાફરોને પ્રીમિયમ સફરનો અહેસાસ કરાવશે.
