Surat: ઉન-ભેસ્તાનમાં 8 મોટા ભંગારીયાઓ પર 3 દિવસથી GSTના દરોડા, કરોડોનું બોગસ બિલિંગ નેટવર્ક પકડાયું!

📅 Published: October 13, 2026 | 📂 Category: Surat

 સુરત શહેરમાં કરચોરો અને બોગસ બિલિંગના ખેલાડીઓ સામે જીએસટી (GST) વિભાગે લાલ આંખ કરી છે. શહેરના ઉદ્યોગિક અને ગીચ વિસ્તાર ગણાતા ઉન અને ભેસ્તાન વિસ્તારમાં જીએસટી વિભાગની વિવિધ ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખીને ભંગાર (સ્ક્રેપ) ના 8 મોટા વેપારીઓને ત્યાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટા પાયે ટેક્સ ચોરી અને શંકાસ્પદ બોગસ બિલિંગ નેટવર્કની બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડાથી સુરતના સ્ક્રેપ માર્કેટમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

3 દિવસથી સતત તપાસ, 8 ભંગારના વેપારીઓ રડારમાં

જીએસટી વિભાગની આ કાર્યવાહી કોઈ સામાન્ય ચેકિંગ ન રહેતાં પૂર્વ આયોજિત મેગા ઓપરેશન બની રહી છે.અધિકારીઓની અલગ-અલગ ટુકડીઓ બનાવીને ઉન અને ભેસ્તાન પંથકમાં આવેલા 8 મુખ્ય ભંગારના ગોડાઉનો અને ઓફિસો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 72 કલાકથી જીએસટી ટીમો દ્વારા હિસાબી ચોપડા, કોમ્પ્યુટર હાર્ડડિસ્ક અને ખરીદ-વેચાણના આંકડાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.વ્યાપક સ્તરે હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન સ્થળ પરથી વ્યવહારો સંબંધિત કોઈ પણ વ્યક્તિને બહાર જવા કે સંપર્ક કરવા દેવામાં આવ્યો ન હતો.

પ્રાથમિક તપાસમાં જ બોગસ બિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ

જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક ચકાસણીમાં જ ચોંકાવનારી વિગતો સામે આવી છે.માત્ર કાગળ પર પેઢીઓ ઊભી કરી માલની વાસ્તવિક હેરફેર વગર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.કરોડો રૂપિયાના શંકાસ્પદ બિલો બનાવીને સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવાનો કારસો રચાયો હતો.સ્ક્રેપના વેપારની આડમાં અન્ય ઉદ્યોગોને બોગસ બિલો સપ્લાય કરવાના તાર પણ આ વેપારીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા પ્રબળ બની છે.

 ફોરેન્સિક અને આર્થિક વિશ્લેષણ શરૂ

દરોડા દરમિયાન અધિકારીઓ દ્વારા મોટા જથ્થામાં ડિજિટલ ડેટા અને કાગળો સીઝ કરવામાં આવ્યા છે.સર્ચ દરમિયાન મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો, કાચી ચિઠ્ઠીઓ, બેંક ખાતાઓની વિગતો અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.સમગ્ર વ્યવહારોની ઊંડાઈ સુધી પહોંચવા માટે આ દસ્તાવેજોનું ફોરેન્સિક ઓડિટ અને આર્થિક વિશ્લેષણ શરૂ કરી દેવાયું છે.અધિકારીઓના મતે, વિશ્લેષણ પૂર્ણ થયા બાદ કરચોરીનો સાચો આંકડો સત્તાવાર રીતે સામે આવશે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી શકે છે.

આ પણ વાંચો: Rajkot: મેટોડા GIDCના પ્રમુખ પદનો નિર્ણય અધ્ધરતાલ; વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની અનિચ્છાથી પેચ ફસાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *