Surat : ઓલપાડનાં અનેક ગામોમાં દિવાળી પર્વે મેડિયા પ્રગટાવવાની પરંપરા આજેય જીવંત

📅 Published: November 9, 2026 | 📂 Category: Surat

ઓલપાડ તાલુકાના કોસમ સહિત સાંધીએર ગામના ગરાશ ફ્ળિયા,વાવ ફ્ળિયા અને પાટીદાર સમાજની વસ્તી ધરાવતા નવાપરાના રહીશોએ બાપદાદાના સમયથી વારસામાં મળેલ દિવાળીની સંધ્યાએ વર્ષોથી ચાલી આવેલ મેડિયા પ્રગટાવવાની જુની પરંપરા આજે પણ જીવંત રાખી હતી.આ ઉત્સવમાં ગામના નાના ભૂલકાઓ સાથે જોડાયેલી મહિલાઓએ દિવાળીની સંધ્યાએ મેડિયા પ્રગટાવી ઘરે ઘરે ઘૂમી દિવેલ પુરાવી દિવાળીના રંગીન નારા લગાવી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. ઓલપાડ તાલુકાની ગ્રામ્ય પ્રજાના યુવાનો બાપદાદાના સમયથી વારસામાં મળેલ હિન્દુ સંસ્કૃતિની અનેક પરંપરાઓ આજે પણ જીવંત રાખી હિન્દુ ધર્મને ઉજાગર રાખવામાં સફ્ળ રહ્યા છે. આવી જ એક અનોખી ઉત્તમ પરંપરા ઓલપાડ તાલુકાના કોસમ અને સાંધીએર ગામમાં દિવાળી પર્વની મોડી સંધ્યાએ જીવંત જોવા મળી હતી. દિવાળીની મોડી સંધ્યાએ ગામના 02 વર્ષથી શરૂ કરી 10 વર્ષના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ અને યુવા પેઢીના યુવક-યુવતીઓએ મેડિયા પ્રગટાવી ઘરે-ઘરે ઘુમી રંગીન મિજાજમાં ગીત ગાવાની પરંપરા જીવંત રાખી હતી. આ પ્રસંગે સાંધીએરના 92 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર જયવંત સુરતીએ કહ્યું કે,જુની પેઢીના બાપદાદા ઓની એક માન્યતા હતી કે,ઉજાસના પર્વ દિવાળીના સમયમાં મેડિયા પ્રગટાવી ઘરમાં તેનો પ્રકાશ ઉજાગર કરવાથી આખા વર્ષ દરમ્યાન ઘરમાંથી કાયમી અંધકાર દુર થાય છે અને ઘરના સભ્યો અંધશ્રદ્ધાઓથી દુર રહે છે.આ ઉપરાંત ઘરના ભૂલકાઓ અને રહીશોને હઠીલા રોગો તેમજ તાવ-તળિયામાંથી કાયમી મુક્તિ અપાવવા તેમજ ઘરમાંથી કાયમી જીવ-જંતુઓની મુક્તિ માટે દિવાળીના દિવસે પ્રગટાવેલ મેડિયા ઘરમાં ફેરવવાથી આખા વર્ષ સુધી અસર જોવા મળે છે.પ્રગટાવેલ આ મેડિયાઓને ભૂલકાઓ અંધશ્રદ્ધા,હથિલા રોગો અને તાવ-તળિયાને દુર કરવા ગામની વાવ,મંદિર કે પાદર બહાર મુકી આવે છે.આ સમયે યુવા પેઢી આતશબાજી અને ફ્ટાકડા ફોડી આનંદ માણે છે અને ભૂલકાઓને મળેલ રોકડ દક્ષિણામાંથી જોડાયેલ સૌ આઈસ્ક્રીમ,નાસ્તાની મોજ માણી આનંદ મનાવ્યા પછી જ ઘરે જઈ મિષ્ટાન સાથે ભોજનની મિજબાનીનો આનંદ લે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *