સાંધીએર : ઓલપાડ તાલુકાની વિવિધ શાળા-કોલેજ અને સહકારી સહિત સામાજિક સંસ્થાઓમાં દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. તિરંગા યાત્રા નીકળી હતી, વૃક્ષારોપણ કરાયું હતું,
સાંધીએરની બી.આર.પરમાર હાઈસ્કૂલમાં સાયણના રાજસ્થાની ધર્માજી નૈનાજી ગુર્જરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. બાળકોએ દેશભકિત-સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઓલપાડ કોલેજમાં ધી પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીના ઉપપ્રમુખ અંકુરભાઈ પટેલે, સાયણની ડી.આર.જી.ડી.સાર્વ. વિદ્યાલયમાં નજીકના દિવસોમાં નિવૃત્ત થનાર શિક્ષક નંદલાલ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સિવાય કણભી પ્રા.શા.માં ગામની ઇન્ચાર્જ સરપંચ રેખાબેન કનકસિંહ ઠાકોરે તથા ટકારામા ગામની જ.ર.પટેલ હાઈસ્કૂલમાં કામરેજ સુગરના બિનહરીફ્ વિજેતા ડિરેક્ટર અમિત પટેલ (ભારૂંડી)ના હસ્તે ભાદોલની સંસ્કાર ભારતી વિદ્યાલયમા તિરંગા યાત્રા બાદ કંપનીના માલિક વિકાસભાઇ પારેખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે શાળાને મ્યુઝિક સિસ્ટમ દાન આપી હતી. આ ઉપરાંત ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીન કેમ્પસ ખાતે ધી તળાદ કોટનના ચેરમેન અરવિંદ પટેલે તથા ઓલપાડ, સાયણની જીન કેમ્પસની સહકારી સંસ્થાઓમાં વિવિધ અગ્રણીઓના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.
