Surat: કદ ભલે નાનું રહ્યું, પણ જંગલના ખૂંખાર શિકારીને દિવસમાં તારા બતાવી દીધા! પલસાણામાં દીપડી પર અઢી ફૂટનો નોળિયો ભારે પડ્યો

📅 Published: November 6, 2026 | 📂 Category: Surat

કુદરતના ખોળે ક્યારેક એવા અકલ્પનીય દ્રશ્યો સર્જાતા હોય છે જે સામાન્ય માનવીની કલ્પના બહારના હોય છે. આવો જ એક ‘દુર્લભમાંથી અતિ દુર્લભ’ અને રૂંવાડાં ઊભા કરી દેતો કિસ્સો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામે સામે આવ્યો છે. અહીં એક પડતર ખુલ્લી જમીનમાં અંદાજે અઢી વર્ષની દીપડી ખોરાકની શોધમાં એક નાના નોળિયાનો શિકાર કરવા ધસી ગઈ હતી.

નોળિયાએ દીપડીને બે ગુલાટી ખવડાવી દીધી

સામાન્ય રીતે દીપડા જેવા શિકારી સામે નાના પ્રાણીઓ ભાગી છૂટવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અહીં અઢી ફૂટના નોળિયાએ જીવ બચાવવા ભાગવાને બદલે દીપડીની આંખોમાં આંખ પરોવીને સીધો વળતો હુમલો કરી દીધો હતો. બંને વચ્ચે 4 થી 5 મિનિટ સુધી ચાલેલા આ ખૂંખાર જંગમાં નોળિયાએ દીપડીને મોઢાના ભાગેથી બચકું ભરી એવી પકડ બનાવી કે દીપડીને બે ગુલાટી ખવડાવી દીધી હતી. ગુજરાતમાં વન્યજીવ જગતમાં આવી ઘટના પ્રથમ વખત બની હોવાનું માનવામાં આવે છે.

4 થી 5 મિનિટ સુધી ચાલ્યો રોમાંચક જંગ

વણેસા ગામની સીમમાં પડતર ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં દીપડીએ નોળિયા પર તરાપ મારી હતી. જોકે, અણનમ મનોબળ ધરાવતા નોળિયાએ ડર્યા વગર ત્રાટકવાનું શરૂ કર્યું હતું.લડાઈ એટલી આક્રમક હતી કે નોળિયાએ દીપડીના મોઢા પર સીધો હુમલો કરી તેને જકડી લીધી હતી. નોળિયાના પ્રચંડ પ્રતિકાર અને બચકાંથી છૂટવા જતાં દીપડી જમીન પર બે વખત ગોથાં (ગુલાટી) ખાઈ ગઈ હતી. આ અસાધારણ 4 થી 5 મિનિટની લડાઈને ‘ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર’ ના રાષ્ટ્રીય પ્રમુખ જતીન રાઠોડે પોતાના કેમેરામાં લાઈવ કેદ કરી લીધી હતી.આ ઘટનાએ વન્યજીવોના નિયમોમાં સાબિત કરી દીધું કે કદ ગમે તેટલું નાનું હોય, પણ જો લડવાની હિંમત અને સાહસ હોય તો જંગલના મોટામાં મોટા શિકારીઓને પણ પાછા પગ કરવા પડે છે.

ગુજરાતમાં કેમેરાબદ્ધ થયેલી સંભવત

સામાન્ય રીતે સાપ અને નોળિયાની લડાઈ જોવા મળતી હોય છે, પરંતુ બિલાડી કુળના સૌથી ચપળ શિકારી એવા દીપડા સામે નોળિયો આક્રમક બનીને સામો હુમલો કરે અને દીપડીને બેકફૂટ પર ધકેલી દે તેવો કિસ્સો ભારતીય વન્યજીવ ઇતિહાસમાં પણ અત્યંત દુર્લભ ગણાય છે.આ રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇલ્ડલાઇફ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા અને આશ્ચર્યનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: દિવાળીએ કેદીઓ પરિવાર સાથે ઉજવશે તહેવાર; સાબરમતી જેલમાંથી 33 કેદીઓને સ્પેશિયલ અને 80 ને રેગ્યુલર પેરોલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *