કીમ : કામરેજનાં ધોરણ પારડી ગામની સીમમાં ને.હા. નં-48 પર એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર હાઇવેની વચોવચ પલ્ટી મારી જવાની ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી.
** એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર નં.જીજે-16-એડબ્લ્યુ-325 ધોરણ પારડી ગામની સીમમાં મુંબઇ થી અમદાવાદ તરફ જતા ને.હા.નં-48 પરથી પસાર થઇ રહ્યુ હતુ. જે દરમ્યાન માનવમંદિરથી થોડેક આગળ હાઇવે પર આગળ ચાલી રહેલી એક ફોર વ્હિલ કારનાં ચાલકે અગમ્ય કારણોસર માર્ગ પર અચાનક બ્રેક મારી દીધી હતી. ત્યારે અકસ્માત ટાળવાનાં પ્રયાસમાં પાછળ આવી રહેલા ટેન્કરનાં ચાલકે પણ તાત્કાલિક જોરદાર બ્રેક લગાવી હતી. અચાનક બ્રેક મારવાનાં કારણે ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં પગલે બેકાબુ બનેલુ ભારેખમ ટેન્કર નેશનલ હાઇવેનાં મુખ્ય માર્ગની વચોવચ ધડાકાભેર પલ્ટી મારી ગયુ હતુ. સુચીત અકસ્માતની ઘટનાનાં પગલે મુંબઇ થી અમદાવાદ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતીનું નિર્માણ થયુ હતુ અને હાઇવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ સુરત જીલ્લા ટ્રાફિક પોલીસને થતા જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે બનાવનાં સ્થળે દોડી આવી હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમે પરીસ્થિતી સંભાળીને ટ્રાફિક નિયંત્રણની તજવીજ હાથ ધરી હતી.**
