એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે ઉંભેળ ગામની સીમમાં ને.હા.નં-48 પર ટ્રક ડ્રાઇવરો સાથે મળી સિમેન્ટની બોરીઓ સગેવગે કરવાનું નેટવર્ક ઝડપી પાડી કુલ 15 લાખ 65 હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટક કરતા ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સત્તુ મારવાડી નામનો શખ્સ પોતાના સાગરીતો મારફતે હાઇવે પર સિમેન્ટની થેલીઓનો જથ્થો ભરીને લઇ જતા ટ્રકોનાં ચાલકો સાથે સાઠગાંઠ રચી પોતાના આર્થિક ફાયદા માટે મૌજે ઉંભેળ ગામની સીમમાં ને.હા.નં-48 પર ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે. અને હાલમાં પણ ઉંભેળ ગામ પાસે હરિપુરા પાટિયાથી હરિપુરા ગામ તરફ જવાના રસ્તા પર ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. હરકતમાં આવેલી એલસીબી પોલીસે ઉપરોક્ત બાતમી અનુસાર સ્થળ પર તાત્કાલિક છાપો મારી સિમેન્ટ ચોરીનું કૌભાંડ ઝડપી પાડી બનાવના સ્થળેથી બે ઇસમોને દબોચી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી 10 લાખ કિંમતની ટાટા કંપનીની ટ્રક (નં.જીજે-19-યુ-3730), 3 લાખ કિંમતનો અશોક લેલેન્ડ ટેમ્પો (નં.જીજે-19-એક્સ-8208), 2 લાખ 40 હજાર કિંમતની એમપી બિરલા ગ્રૂપ મલ્ટીસેમ કંપનીની 50 કિલોગ્રામ વાળી 800 નંગ સિમેન્ટની થેલીઓ, 20 હજાર કિંમતનાં બે મોબાઇલ ફોન મળી કુલ 15 લાખ 65 હજાર 290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે ગુનો નોંધી ટ્રકચાલક હરીરામ ચંદ્રીકા યાદવ (ઉં.વ.38, ધંધો-ડ્રાઇવિંગ, હાલ રહે. કડોદરા, શાંતિનગર, નિલમ હોટલની પાછળ, તા.પલસાણા, જી.સુરત- મૂળ રહે. કસીલા, જી.શિવાન, બિહાર), અશોક લેલેન્ડ ટેમ્પોચાલક અભિનંદન સિતારામ સૈની (ઉં.વ.20, ધંધો-મજૂરી, હાલ રહે. વરેલી પાયલ પાર્ક ગલી, અશોકભાઇની બિલ્ડિંગ, રૂમ નં-112, તા.પલસાણા, જી.સુરત- મૂળ રહે. ધુલો, જી.વૈશાલી, બિહાર)ની અટક કરી હતી. જ્યારે સિમેન્ટની બેગો ચોરી કરાવી, ચોરીનો માલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવનાર મુખ્ય સૂત્રધાર સત્યનારાયણ શર્મા ઉર્ફે સત્તુ મારવાડી (રહે. વરેલી તા.પલસાણા, જિ.સુરત)ને એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપી પાડવાની દિશામાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
