સુરતના ડુંબાલ મોડર્ન ટાઉનની સામે એક મહાકાય વૃક્ષ અચાનક ફોર વ્હીલર કાર પર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ કાર પર પડતાં અંદર સવાર 3 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું
જોકે, વૃક્ષનું વજન અને કારને થયેલા નુકસાનને કારણે સ્થાનિકો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા નહોતા. અંતે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ડુંબાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા
ફાયર વિભાગના જવાનોએ જરૂરી સાધનોની મદદથી કારમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કારમાં 55 વર્ષની છાયાબેન ઉપરાંત 10 અને 5 વર્ષની 2 બાળકી સવાર હતી. આ ઘટનામાં છાયાબેનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
મહાકાય વૃક્ષનું કટિંગ કરીને તેને રસ્તા પરથી દૂર કર્યું
ફાયર વિભાગ દ્વારા ત્રણેયને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના કારણે માર્ગ પર અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયરના જવાનોએ મહાકાય વૃક્ષનું કટિંગ કરીને તેને રસ્તા પરથી દૂર કર્યું હતું અને માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુક્યો હતો.

સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી
અચાનક વૃક્ષ ધરાશાયી થતાં કારમાં સવાર મહિલા અને 2 બાળકી ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા
