Surat: 'કેસરિયા 4.0' પ્રિ-નવરાત્રિમાં આયોજકોનો ફિયાસ્કો! ગીતા રબારીના ગરબામાં ભીડ બેકાબૂ થતાં બેરિકેડ તૂટ્યા

📅 Published: October 10, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં નવરાત્રી પૂર્વે આયોજિત ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રી મહોત્સવમાં આયોજકોની ગંભીર લાપરવાહી અને અણઆવડતના કારણે મોટી દુર્ઘટના સર્જાતાં સહેજમાં બચી ગઈ છે. ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીના સૂર પર ગરબે ઘૂમવા માટે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડતાં ગરબા ડોમ પરિસરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી. ક્ષમતા કરતાં વધુ લોકો અંદર ઘૂસી જતાં અને ભીડનું ભારે દબાણ વધતાં ગરબા ડોમમાં લગાવેલા લોખંડના બેરિકેડ્સ તૂટી પડ્યા હતા, જેના પગલે સ્થળ પર અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

ગીતા રબારીને સાંભળવા માનવમહેરામણ ઉમટ્યો, ડોમ નાનો પડ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કેસરિયા નવરાત્રી મહોત્સવમાં લોકગાયિકા ગીતા રબારી ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા. તેમના કાર્યક્રમને માણવા માટે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાધન તેમજ પરિવારો પહોંચ્યા હતા.જોકે, આયોજકો દ્વારા જગ્યાની ક્ષમતાનું પૂરતું આકલન કર્યા વિના પાસ અને એન્ટ્રી આપવામાં આવી હોવાના કારણે ગરબા ડોમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. બહાર ઊભેલા લોકોએ અંદર પ્રવેશવા માટે સતત ધક્કામુક્કી કરતાં આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

બેરિકેડ્સ તૂટી પડતાં લોકો પટકાયા

ડોમની અંદર અને પ્રવેશદ્વાર નજીક ભીડનું પ્રચંડ દબાણ સર્જાતાં સુરક્ષા માટે ગોઠવાયેલા મજબૂત બેરિકેડ્સ એકાએક કડડભૂસ થઈને તૂટી પડ્યા હતા.બેરિકેડ તૂટતાં જ આગળ ઊભેલા અનેક દર્શકો અને ખેલૈયાઓ જમીન પર પટકાયા હતા. અચાનક થયેલી અંધાધૂંધી અને નાસભાગમાં કેટલીક મહિલાઓ અને યુવતીઓ નીચે પડી જતાં ભીડ નીચે દબાઈ ગઈ હતી, જેના લીધે ચીસાચીસ મચી ગઈ હતી. એક યુવકનો પગ લોખંડના તૂટેલા બેરિકેડ અને લોકોની ભીડ વચ્ચે ખરાબ રીતે દબાઈ જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

‘કેસરિયા 4.0’ નું મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ

આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર હાજર ખેલૈયાઓ અને વાલીઓમાં આયોજકો સામે ભારે રોષ ફેલાયો છે. માત્ર નફો રળવા માટે ક્ષમતા કરતાં અનેકગણા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ લોકોએ લગાવ્યો છે.પૂરતા સિક્યોરિટી ગાર્ડ્સ કે બાઉન્સર્સ ન હોવાના કારણે સ્થિતિને સમયસર કાબૂમાં લઈ શકાઈ નહોતી.પ્રાથમિક સારવાર કે આપાતકાલીન વ્યવસ્થાના અભાવને કારણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ મળવામાં ભારે મુશ્કેલી પડી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ નવરાત્રીના દિવસો નજીક છે ત્યારે આવા મોટા કોમર્શિયલ ગરબા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થાનું કડક ઓડિટ કરવામાં આવે તેવી માંગ સુરતીઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: નવરાત્રીમાં ઇમરજન્સી કેસો વધવાની આશંકાએ માં 108 સેવા સ્ટેન્ડબાય, અકસ્માત અને મારામારીના કેસોને લઈ વિશેષ પ્લાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *