Surat : કોસંબા પાસે હાઈવે પર ટાયર ફાટતા 17 મજૂરો ભરેલો ટેમ્પો પલટી ગયો, એકનું મોત

📅 Published: September 17, 2026 | 📂 Category: Surat

કોસંબા નજીક ને.હા.નં-48 પર લાઇટિંગનો સામાન અને 17 જેટલા શ્રમિકોને લઇને જઇ રહેલા આઇશર ટેમ્પાનું ચાલુ વાહને પાછળનું ટાયર ફાટતા ટેમ્પો હાઇવેની વચોવચ પલ્ટી મારી ગયો હત. એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થવાની ઘટનાનાં પગલે ચકચાર મચી ગઇ હતી.

કામરેજ ગાયપગલા રોડ પર આવેલા હિંદવા ડ્રીમ્સ પાસેથી લાઇટિંગનો સામાન ભરીને આઇશર ટેમ્પો ભરૂચની ઝાડેશ્વર ચોકડી તરફ જઇ રહ્યો હતો. ભરૂચ ખાતે લાઇટિંગનું ડેકોરેશન કરવાનું હોવાથી ટેમ્પામાં સામાન સાથે કુલ 17 જેટલા મજૂરો સવાર થઇને નિકળ્યા હતા. ત્યારે આઇશર ટેમ્પો કોસંબા નજીક ને.હા.નં-48 પરથી પસાર થઇ રહ્યો હતો. જે દરમ્યાન ટેમ્પાનું પાછળનું ટાયર આકસ્મિક રીતે ફાટતા ચાલકે ટેમ્પોનાં સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં પગલે બેકાબુ બનેલો ટેમ્પો હાઇવેની વચોવચ પલ્ટી મારી ગયો હતો. ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં ટેમ્પોમાં સવાર તમામ મજૂરો રસ્તા પર ફંગોળાઇ ગયા હતા. જેનાં પગલે હાઇવે પર ભારે ચીસાચીસ અને અફરાતફરીનો મચી ગઇ હતી. ગંભીર ઇજાઓ પહોંચવાનાં કારણે એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 6 મજૂરો લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા. વાહનમાં સવાર બાકીનાં શ્રમીકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષીત હોવાનું જાણવા મળ્યુ હતુ. અકસ્માતની જાણ થતા જ આસપાસનાં સ્થાનિક લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા તમામ 6 લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પો હાઇવેનાં મુખ્ય માર્ગની વચોવચ પલ્ટી મારી જવાનાં કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી જઇ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ સુરત જીલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસનો કાફ્લો બનાવનાં સ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેઇન બોલાવીને ટેમ્પોને સાઇડમાં હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો તેમજ આ મામલે ગુનો નોંધ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *