Surat: કોસંબા મર્કન્ટાઇલ બેંકની સાધારણ સભા તોફાની બની

📅 Published: August 20, 2026 | 📂 Category: Surat

કોસંબા મર્કન્ટાઇલ બેંકની આજે 49મી વાર્ષીક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતો હોય ત્યારે આજે યોજાયેલી છેલ્લી સાધારણ સભા પ્રથમ ચરણમાં જ વાતાવરણ ગરમાય ગયુ હતું. ઉપસ્થિત મોટી સંખ્યામાં સભાસદો દ્વારા પાંચ વર્ષનાં કોસંબા મર્કન્ટાઇલ બેંકનાં શાસન દરમ્યાન બેંકનાં વહીવટ અને નાણાકીય સ્થિતીને લઇને શાસકોને આકરા પાણીએ લઇ પરસેવો છોડાવી દીધો હતો. જોકે મુખ્ય પ્રશ્ન પૈકી બેંકમાં 26 લાખ રૂપિયાની વધઘટ અને હિસાબી ગડબડ મામલે પુછાયેલા પ્રશ્નથી મામલો ગરમાય ગયો હતો. શાસકો જવાબો આપવાનાં બદલે ગલ્લા તલ્લા કરવામાં આવતા સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આજે છેલ્લી સાધારણ સભામાં સભાસદો પુરી તૈયારી કરીને આવ્યા હોય તેમ વહીવટ લક્ષી 50 જેટલા સવાલોનાં જવાબો નહીં આપી શકેલા બેંક શાસકો તરફથી યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળતા આખી સભામાં હલ્લાબોલ જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. પૂર્વ ચેરમેન નટવરસિંહ આડમારે વર્તમાન શાસકો સામે આકરા પ્રહારો કરી જણાવ્યુ હતુ ડિરેક્ટરોનાં ગેરવહીવટનાં કારણે આરબીઆઇ દ્વારા બેંકને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે હકીકત સભાસદોથી કેમ છુપાવવામાં આવી છે. 26 લાખની કેશ બેંકમાંથી ગેરવલ્લે થયા બાદ જેની રીકવરી પણ કર્મચારીઓ પાસેથી કરવામાં આવી હોવાનાં આરોપ સાથે માજી ચેરમેન નટુ આડમારે બેંક ખોટમાં ચાલી રહી અને એનપીએ વધ્યુ હોવા છતા પણ બેંકને કાગળ પર નફામાં દર્શાવવામાં આવી રહી છે. સભાસદોને કોઇ ડિવીન્ડ કે ગીફ્ટ પણ આપવામાં આવી ન હોવાનું જણાવી શાસકોને આડે હાથ લીધા હતા. જોકે સભાસદો અને બેંક શાસક જુથ આમને સામને આવી જતા માહોલ તંગ બની જતા પરીસ્થિતિ પામી ગયેલા કેટલાક આગેવાનોએ માંડ માંડ મામલો થાળે પાડી સાધારણ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *