સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની વિવિધ અસુવિધાઓ સામે ધરણાં શરૂ કર્યા છે. ખાવાનું, પીવાનું પાણી, સાફ-સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહેલી વિદ્યાર્થીનીઓ અંતે વિરોધના માર્ગે ઉતરી આવી છે. વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્ટેલમાં જરૂરી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો અંત નહીં
વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં સર્જાતી સમસ્યાઓ અંગે અનેક વખત વોર્ડનને જાણ કરવામાં આવી હતી. ખાવાની ગુણવત્તા, પીવાના પાણી, સાફ-સફાઈ સહિતની સમસ્યાઓ દૂર કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર ફરિયાદો છતાં સ્થિતિમાં સુધારો ન આવતા વિદ્યાર્થીનીઓએ અંતે ધરણાં પર બેસવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.
હવે તંત્ર શું કરશે?
સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ ધરણાં પર બેસતાં યુનિવર્સિટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. હોસ્ટેલની અસુવિધાઓ ક્યારે દૂર થશે અને વિદ્યાર્થીનીઓની ફરિયાદોનો ઉકેલ ક્યારે આવશે તે હવે મહત્વનો મુદ્દો બન્યો છે. વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી તેમની માંગ છે. હવે યુનિવર્સિટી અને હોસ્ટેલ તંત્ર વિદ્યાર્થીનીઓની રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે તેના પર સૌની નજર રહેશે.
