સુરત અને રાજસ્થાનના લેક સિટી ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. સુરતવાસીઓની વર્ષો જૂની માગણીનો સુખદ અંત લાવતાં સુરત અને ઉદયપુર વચ્ચે આજથી સેમી-હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો વિધિવત પ્રારંભ થયો છે. ખાસ બાબત એ છે કે આ ટ્રેન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારને મળેલી સૌથી પહેલી વંદે ભારત ટ્રેન છે.
કેન્દ્રીય મંત્રી પાટીલના હસ્તે ટ્રેનને લીલી ઝંડી
આજરોજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે આ આધુનિક સ્વદેશી ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને ઝડપી મુસાફરીનો નવો અનુભવ
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત તૈયાર થયેલી આ આધુનિક ટ્રેન ઉત્કૃષ્ટ સલામતી વ્યવસ્થા અને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. અકસ્માત રોકવા માટે અતિ-આધુનિક સુરક્ષા પ્રણાલી. 180 ડિગ્રી રોટેટિંગ સીટ્સ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને વાઈ-ફાઈ આધારિત ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ. સુરત અને ઉદયપુર જેવા બે મોટા ઐતિહાસિક અને વ્યાપારી કેન્દ્રો વચ્ચેનો મુસાફરી સમય આ ટ્રેન દોડવાથી નોંધપાત્ર રીતે ઘટી જશે.
અઠવાડિયામાં 6 દિવસ દોડશે ટ્રેન
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ નિયમિત રીતે કાર્યરત રહેશે, જ્યારે મેન્ટેનન્સ અને જાળવણી માટે અઠવાડિયામાં 1 દિવસ સેવા બંધ રાખવામાં આવશે.સુરતમાં રહેતા હજારો રાજસ્થાની પરિવારો, વેપારીઓ અને પ્રવાસન પ્રેમીઓ લાંબા સમયથી સુરતથી સીધી ઉદયપુર જતી ફાસ્ટ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ વંદે ભારત શરૂ થવાથી દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને એક નવો વેગ મળશે.
