મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વિવાદાસ્પદ મેસેજીસને કારણે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે સળવળાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પહેલાં સુરતમાં ‘કપલ સ્વેપિંગ’ની ઘટના સામે આવી હતી અને હવે સોશિયલ મીડિયામાં ગરબા પાર્ટનર ભાડે મળશે અંગેના મેસેજીસ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નવરાત્રી પર્વ પહેલાં ‘ભાડે ગરબા પાર્ટનર’ના વાયરલ મેસેજ
સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.

પવિત્ર ગરબા મહોત્સવને કલંકિત કરવાનો પ્રયાસ
વાયરલ મેસેજીસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતના જાગૃત નાગરિકો દ્વારા સાયબર ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ધોરણે આ મેસેજીસ ફેલાવનાર તત્વોને શોધીને તેમના વિરુદ્ધ દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે. આ સાથે સોશિયલ મીડિયા તેમજ ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલા અનૈતિક પ્રચારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.વધુમાં, નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ્સ અને આસપાસના વિસ્તારોમાં લવ જેહાદ, ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી યુવાનો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી કરી શકે.
આ પણ વાંચો: Vadodara: GSFC યુરિયા પ્લાન્ટ ગેસ ગળતર મામલે વધુ એક કર્મચારીનું મોત; મૃત્યુઆંક 2 થયો
