નવી મુંબઈથી દિવ તરફ જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને દિવમાં હવામાનની પ્રતિકૂળતાને કારણે અચાનક સુરત એરપોર્ટ તરફ ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર, દિવ એરપોર્ટ અને આસપાસના વિસ્તારમાં હવામાન અત્યંત ખરાબ થતાં અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી જતાં ફ્લાઇટના પાયલોટે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિમાનને સુરત તરફ વાળી લીધું હતું.
નવી મુંબઈ-દિવ ફ્લાઇટ સુરત ડાઇવર્ટ કરાઈ
ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-7023 એ સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કરી લેન્ડિંગ માટે પરવાનગી માગી હતી. સુરત એરપોર્ટ પર જરૂરી તમામ પ્રોટોકોલ સાથે વિમાનનું સુખદ અને સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. બપોરે 12:22 વાગ્યે ફ્લાઇટને સુરત એરપોર્ટના બે નંબર-05 (Bay No. 05) પર સફળતાપૂર્વક પાર્ક કરવામાં આવી હતી. આ વિમાનમાં કુલ 42 મુસાફરો સવાર હતા, જેઓ તમામ સંપૂર્ણપણે સુરક્ષિત અને ક્ષેમકુશળ છે.
વિમાનમાં સવાર 42 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત
ફ્લાઇટ ડાઇવર્ટ થતાં જ સુરત એરપોર્ટ પ્રશાસન અને ઈન્ડિગો ગ્રાઉન્ડ સ્ટાફ એક્શનમાં આવ્યો હતો અને મુસાફરો માટે પીવાના પાણી, રિફ્રેશમેન્ટ અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરી હતી. દિવમાં હવામાન ચોખ્ખું થયા બાદ અથવા વિકલ્પ વ્યવસ્થા અનુસાર મુસાફરોને તેમની મંજિલ તરફ રવાના કરવા માટે તંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
