સુરતમાં અસામાજિક તત્વો અને હત્યારાઓ સામે ખાખી વર્દીનો ડર સાવ ઓસરી ગયો હોય તેવી ભયાનક સ્થિતિ ફરી સામે આવી છે. શહેરના અત્યંત ગીચ અને ધમધમતા નાનપુરા વિસ્તારમાં આવેલા મટન માર્કેટમાં અજાણ્યા હુમલાખોરોએ ખુલ્લેઆમ લોહિયાળ ખેલ ખેલતા બે સગીર વયના યુવકોની ઘાતકી હત્યા કરી નાખી છે. માત્ર 17 વર્ષની ઉંમર ધરાવતા અઝમલ શેખ અને ફૈઝાન શેખ નામના બે કિશોરો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડીને રહેંસી નાખવામાં આવ્યા હતા. જાહેરમાં બનેલી આ સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યાને અંજામ આપીને અજાણ્યા હત્યારાઓ બિન્ધાસ્ત ફરાર થઈ જતાં પોલીસની નાકાબંધી અને પેટ્રોલીંગના દાવાઓની હવા નીકળી ગઈ છે.
મટન માર્કેટમાં લોહિયાળ ખેલ
નાનપુરા મટન માર્કેટ પરિસરમાં સામાન્ય દિવસની જેમ લોકોની અવરજવર હતી ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સોએ 17 વર્ષીય અઝમલ શેખ અને ફૈઝાન શેખને ઘેરી લીધા હતા.કોઈ જૂની અદાવત કે તકરારમાં હુમલાખોરોએ જીવલેણ હથિયારો વડે બંને સગીરો પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. બંને યુવકો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાનો ખુલ્લો ખેલ ખેલ્યા બાદ આરોપીઓ લોહીવાળા હથિયારો સાથે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેના પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
હત્યા પાછળનું કારણ અકબંધ
ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક નાનપુરા મટન માર્કેટ દોડી આવ્યો હતો.પોલીસે બંને સગીરોના મૃતદેહોનો પંચનામો કરી પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.આ બંને યુવકોની હત્યા કયા કારણોસર કરવામાં આવી, કોઈ અંગત અદાવત હતી, ગેંગવોર હતી કે પછી કોઈ જૂની બોલાચાલીની અદાવત રાખી હત્યા કરાઈ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે મટન માર્કેટ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરી હત્યારાઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.
આ પણ વાંચો: 2 November Top News: PM મોદીનું ઊર્જા સંમેલન, વાવાઝોડું ‘મુરાસુ’ અને…
