Surat: પીપોદરા GIDCમાં મધરાતે ફાઇબર કંપની બળીને ખાખ, 8થી વધુ ફાયર ફાઈટરોની આખી રાત ભારે જહેમત!

📅 Published: October 4, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા હેઠળ આવતી પીપોદરા જીઆઈડીસી (GIDC) ઔદ્યોગિક વસાહતમાં મોડી રાત્રે એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો. અહીં આવેલી ‘શ્રી અંબાજી ફાઇબર’ નામની કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં સમગ્ર મિલ પરિસર આગની લપેટમાં આવી ગયું હતું.

શોર્ટ સર્કિટથી આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન

પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મોડી રાત્રે કારખાનામાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા ઝર્યા હતા અને ફાઇબર તેમજ ટેક્સટાઇલ મટીરિયલ હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી નજરે પડતી હતી, જેના પગલે આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોના સંચાલકો અને કામદારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

8થી વધુ ફાયર ફાઇટરોની આખી રાત સતત જહેમત

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી 8 થી વધુ ફાયર ફાઈટરો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવી આગને બાજુની ફેક્ટરીઓમાં પ્રસરતી અટકાવી હતી.આગ અત્યંત વિકરાળ હોવાથી તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને આખી રાત સતત પરસેવો પાડવો પડ્યો હતો.હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને અંદર રહેલા મટીરિયલમાં ફરીથી તણખો ન ભડકે તે માટે મોટા પાયે કુલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તમામ મશીનરી, કાચો અને તૈયાર માલ બળીને ખાખ

આ ભયાનક અગ્નિકાંડમાં મિલની અંદર રહેલી કિંમતી પ્લાન્ટ મશીનરી સંપૂર્ણપણે બળીને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત પ્રોસેસિંગ માટે રાખવામાં આવેલો કાચો માલ અને ડિલિવરી માટે તૈયાર રાખેલો ફાઇબરનો તમામ જથ્થો બળીને રાખ થઈ જતાં કારખાનેદારને લાખો-કરોડો રૂપિયાનું જંગી આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.સદનસીબે આ દુર્ઘટના મોડી રાત્રે બની હોવાથી અને શિફ્ટના કામદારો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્રએ મોટી રાહત અનુભવી છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે બનાવ અંગે પંચનામું કરી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સારોલીમાં કુબેરજી વર્લ્ડ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ; 6 લોકો અધવચ્ચે ફસાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *