સુરતના અબ્રામા ખાતે આવેલી જાણીતી ‘પી. પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલ’માં ઘટેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ તાત્કાલિક હોસ્ટેલના મુખ્ય મેસ (રસોડા) ખાતે દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.
હોસ્ટેલમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
તપાસ દરમિયાન મનપાની ટીમે વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજન પૈકી ભાખરી, દાળ અને છાશ ના સેમ્પલ કબ્જે કરીને તેને પૃથક્કરણ અર્થે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ખોરાકની ગુણવત્તા અને તેમાં રહેલા દૂષિત તત્વો અંગે સ્પષ્ટતા થશે.તપાસ દરમિયાન હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલ તંત્ર ભલે ઓછી સંખ્યા બતાવતું હોય પરંતુ ફૂડ પોઇઝનિંગની ઝેરી અસર 600 થી 800 જેટલા વિદ્યાર્થીઓને થઈ હતી અને અનેક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.
ટીમે સ્થળ પર પહોંચી ભોજનના સેમ્પલ લીધા
બીજી તરફ, આ સમગ્ર બાબતે સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “અમને આ ઘટના અંગેની પ્રાથમિક માહિતી મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતાં જ અમારી ટીમે સ્થળ પર પહોંચી ભોજનના સેમ્પલ લીધા છે. લેબોરેટરીમાંથી જે પણ રિઝલ્ટ (રિપોર્ટ) આવશે તે આધારે હોસ્ટેલ સંચાલકો અને મેસ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.”
