સુરતમાંથી પોલીસ તંત્રની ગંભીર બેદરકારી અને તપાસની ક્ષતિઓનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવાના ગંભીર આક્ષેપ સાથે પકડાયેલા બે આરોપીઓ સામેનો કેસ સાબિત થઈ શક્યો ન હતો અને કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા. પોલીસની ઘોર બેદરકારીના કારણે ગુનાના આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી જતાં ન્યાય તંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
FIRમાં ચોરીની કલમ જ ન ઉમેરી
મળતી વિગતો અનુસાર, આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.વી. રાણા દ્વારા ટેન્કરમાંથી કેમિકલ ચોરી મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે કેસના તપાસ અધિકારી કે પીઆઈ પોતે જ આ મામલે સાક્ષી બન્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસ અને ફરિયાદ નોંધતી વખતે સૌથી મોટી ભૂલ એ થઈ કે એફઆઈઆરમાં ‘ચોરી’ની મૂળ કલમ જ ઉમેરવામાં આવી ન હતી. કલમોના અભાવે કાનૂની પકડ નબળી પડી હતી.
કોર્ટે પોલીસનો લીધો ઉઘડો
સુનાવણી દરમિયાન જ્યારે આ બાબત અદાલતના ધ્યાને આવી ત્યારે કોર્ટે પોલીસની આ પ્રકારની બેદરકારી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસનો ઉઘડો લીધો હતો. ટેન્કરમાંથી કેમિકલ ચોરી થવાના સ્પષ્ટ આક્ષેપો અને પુરાવાઓ હોવા છતાં માત્ર પોલીસ અધિકારીઓની ટેકનિકલ અને ગંભીર ગફલતના કારણે ગુનો અદાલતમાં સાબિત થઈ શક્યો ન હતો, જેના પરિણામે બંને આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા.
આ પણ વાંચો : Ahmedabadમાં નવરાત્રિ-દશેરા પર્વે ટ્રાફિક જાહેરનામું જાહેર, 11 થી 21 ઑક્ટોબર સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ!
