Surat: બિલ્ડરે કહ્યું, મારી પાસે વેપન છે, યુવકોએ ના હોય કહેતા, ઘરે જઇ રિવોલ્વર લાવી ફાયરિંગ

📅 Published: August 14, 2026 | 📂 Category: Surat

લસકાણાની મોગલ-ટીમાં મધરાત્રે અઢી વાગ્યે નશામાં ધુત્ત બિલ્ડરનું રોબ જમાવવા ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર આશિષ સાકરીયાને પોલીસે દબોચી લીધો હતો. ફાયરિંગમાં વપરાયેલી લાયસન્સ રિવોલ્વર અને બે ફૂટેલાં કાર્ટીઝ કબજે કરી તેની વિરૂદ્ધ ફાયરિંગ અને પીધેલાંનાં બે અલગ અલગ કેસ કર્યા હતા.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મોટા વરાછા, સ્કાય એપાર્ટમેન્માં રહેતો કેવલ પ્રવિણ માંગુકીયા (ઉ.વ. 28) લસકાણા, આઉટર રિંગ રોડ ઉપર એકલેરા સર્કલ પાસ મોગલ ટી-પાન નામથી ગલ્લો ચલાવે છે. શુક્રવારે રાત્રે અઢી વાગ્યાના અરસામાં તેની દુકાને મિત્રો નયન લીંબાસીયા, પિયુષ હીરપરા, સુનિલ લાખાણી, મયંક વઘાસીયા અને જૈમીશ સવાણી સાથે બેઠો હતો. તે વખતે આશિષ ધનજી સાકરીયા (રહે, યુનિટી ટાવર, સરથાણા, મૂળ રહે, રાજકોટ) તેની કાર લઇને આવ્યો હતો અને પાણીની બોટલ માંગી હતી. પાણીની બોટલ લઇને જવાને બદલે તે આ દુકાનદાર અને તેનાં મિત્રો સાથે મસ્તી-મજાક કરવા લાગ્યો હતો. એક યુવકને તેનાં વાળ ઘણાં લાંબા છે, મને આપી દે તેમ કહી મશ્કરી કરી હતી.

યુવાનોએ તેને જવાનું કહેતાં પોતાની પાસે વેપન છે તેવું જણાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાઓ તે નશામાં ધુત્ત હોવાનું જાણી ગયા હતા અને તેની મજા લેતા હોય તેમ ના હોય તેમ કહી તેની મજાક ઉડાવતાં આ બિલ્ડર તેની કારમાં બેસીને ઘરે ગયો હતો અને થોડીક મિનિટ્સ બાદ પરત આવ્યો હતો. કારમાંથી ઉતરી પોતાની સાથે લાવેલી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતાં દોડાદોડી થઇ ગઇ હતી. સરથાણા પોલીસ મથકે મામલો પહોંચતાં ત્યાંથી ભાગી છૂટેલાં આશિષ ધનજી સાકરીયાની ધરપકડ કરી લેવાઇ હતી. તેની વિરૂદ્ધ પોલીસે ફાયરિંગ અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધ્યા હતા. સબ ઇન્સપેક્ટર એન.આર. પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *