Surat: ભાજપમાં આંતરિક વિખવાદ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ, વોર્ડ-27ના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના 'તોડકાંડ'ની ચર્ચા

📅 Published: November 18, 2026 | 📂 Category: Surat

શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સુરત ખાતે ફરી એકવાર આંતરિક વિખવાદ, ખેંચતાણ અને કથિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સપાટી પર આવતા રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-27ના ‘બીજેપી ચુનાવ’ નામના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના કથિત કૌભાંડ અને ‘તોડકાંડ’ની ચર્ચાએ ભારે હડકંપ મચાવ્યો છે, જેમાં દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ મળ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે.

સુરત BJPમાં આંતરિક વિખવાદ

મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર-27ના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મોડી રાત્રે 11 વાગ્યા બાદ પક્ષના જ આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક પ્રહારો થયા હતા. બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કોર્પોરેટર ભાઈદાસ પાટીલ તેમજ વરિષ્ઠ કાર્યકર્તા મનીષ નાયક વચ્ચે આ ગ્રુપમાં થયેલી ઉગ્ર ચેટિંગના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વાયરલ ચેટમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટ અને કૌભાંડ અંગે સામસામે આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દરેક કોર્પોરેટરને 2-2 લાખ મળ્યાના દાવાથી સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણ તેજ

વોટ્સએપ ગ્રુપમાં થયેલી આ ચર્ચા દરમિયાન ₹19 લાખના કથિત કૌભાંડમાં દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ મળ્યા હોવાનો દાવો થતાં સુરત શહેર ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખુદ પક્ષના જ કાર્યકર્તાઓ દ્વારા પોતાના જ કોર્પોરેટરો અને પૂર્વ હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાતા પક્ષની શિસ્ત સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ આ વાયરલ સ્ક્રીનશૉટ સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા અમદાવાદ પોલીસનું મેગા ઓપરેશન, 800થી વધુ ગુનેગારોને એકત્ર કરી અપાઈ અંતિમ ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *